પંચમહાલ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ૩૦ લાભાર્થીઓએ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ યોજનાનો લાભ લીધો
દર મહિને બે થી ત્રણ એલ.પી.જી. બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે, આ સાથે સ્લરીનો ખેતરમાં ઓર્ગેનીક ખાતર તરીકે ઉપયોગ થાય છે
માહિતી બ્યુરો, ગોધરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ગોધરા તાલુકાના અંબાલી ગામના ૩૦ લાભાર્થીઓને ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ યોજનાનો લાભ લીધેલ છે. જે પૈકી સૌપ્રથમ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ શ્રીમતિ અમૃતબેન નટવરસિંહ સિસોદીયાને ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. અને અન્ય લાભાર્થીઓના ત્યાં કામગીરી પ્રગતિ હેઠળ છે.
જેનાથી ગામમાં ગોબરધન યોજનાથી લાંબા સમય સુધી નિઃશુલ્ક કુદરતી રાંધણગેસ લાભાર્થી મેળવી શકશે. આ કુદરતી ગેસ સંપૂર્ણ સુરક્ષીત અને સલામત છે. દર મહિને બે થી ત્રણ એલ.પી.જી. બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. સાથોસાથ સ્લરી પણ ઉપજે છે. આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનીક ખાતર તરીકે પણ ઉપયોગ કરી ખુબ સારુ ઉત્પાદન મેળવી શકાય છે, તેમજ જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ યોજના અંતર્ગત રાજયમાં કલસ્ટર બેઝ વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજયના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા બે પશુધન કે તેથી વધુ પશુધન ધરાવતા કુટુંબો ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટનો લાભ લાભાર્થી મેળવી શકે છે. ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના કુલ રુ.૪૨૫૦૦/- માં રાજય સરકાર દ્વારા .૩૭૫૦૦/-ની સબસીડી આપવામાં આવે છે.
(જેમાં રુ.૩૭૫૦૦/- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તથા મનરેગા યોજનામાંથી ) અને રુ.૫૦૦૦/- લાભાર્થી લોકફાળો લેવામાં આવે છે. આ ફ્લેક્ષી બાયોગેસથી લાભાર્થી વર્ષો સુધી નિઃ શુલ્ક રાંધણગેસ મેળવી શકે છે. એન.ડી.ડી.બી. આણંદ ખાતેથી આવેલ ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટની ટીમ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચમહાલ જિલ્લાના નિયામકશ્રી, ડીસ્ટ્રીક્ટ કો.ઓર્ડીનેટરશ્રી, જિલ્લા એન્જીનીયરશ્રી, એલ.ડબલ્યુ.એમ. કન્સલ્ટન્ટશ્રી તેમજ તાલુકા કક્ષાની ટીમના માર્ગદર્શન હેઠળ ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેમ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટરશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે.