કેન્દ્રની એએમટીએસને ૩૦ કરોડની સહાય, ૧૧૮ નવી બસો રોડ પર દોડતી થશે
કુલ રૂા.૩૭૦૦ કરોડનું દેવુઃ બસના કાફલો ૮૦પને પાર
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરની બસ સુવિધામાં વધારો કરવાના કેન્દ્ર સરકારેે રૂા.૩૦ કરોડની ગ્રાંટ આપી છે. એ ગ્રાંટ દ્વારા ૧૧૮ જેટલી બસ ખરીદવામાં આવતા હવેે અમદાવાદ શહેરમાં રોજની ૮૦પ બસ માર્ગ ઉપર દોડતા શહેરીજનોનેે બસના ધાંધિયામાંથી છુટકારો મળશે એટલુ જ નહીં બસ પ્રવાસીઓની હાલની રોજની ૪ લાખ ૧પ હજારની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના છે. દેખીતી રીતે જ ભારતની આઝાદીના વર્ષ ૧૯૪૭માં જાહેર પરિવહન સેવાના રાષ્ટ્રીકરણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તેની સ્થાપનાના અમૃતકાળ એવા ૭પમાં વર્ષે આર્થિક રીતે ડચકા ખાઈ રહી છે.
અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની નાણાંકીય સહાયથી શહેરમાં બસ સેવા ચાલતી રહી છે એ સ્થિતિમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના શીરે રૂા.૩૭૦૦ કરોડનું જંગી દેવું છે. એ દેેવામાં રોજ રૂા.એક કરોડની ખોટના કારણે રોજ રૂા.એક કરોડનો વધારો થતો રહ્યો છે. મ્યુનિસિપલ શાસકોને એવી આશા છે કે બસોના કાફલામાં વધારો થતાં રોજીંદી આવકમાં પણ વધારો થશે અને તેને કારણેેે ખોટમા ઘટાડો કરી શકાશે.
મ્યુનિસિપલ બસ સર્વિસ દ્વારા હાલ શહેરમાં રોજ ૭૦૪ બસનો કાફલો દોડાવવામાં આવી રહ્યો છે. જેમાં રોજ ૪ લાખ ૧પ હજાર કે તેથી વધુ બસ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. પરંતુ બસ પ્રવાસીઓને સમયસર બસ સેવા મળતી જ ન હોવાની ફરીયાદ ચાલુ જ રહી છે. જેની બીજી તરફ મ્યુનિસિપલ શાસકોની અણધડ અને રાજકીય ગણતરી મુજબ રાજકીય રૂટોમાં વધારો થતો રહ્યો છે.