RERAના હુકમનો અનાદર કરનાર બિલ્ડર્સને ૩૦ દિવસ કેદની સજા
ગુજરાત રેરાના હુકમનો અનાદર કરનાર તત્વો સામે કડક કાર્યવાહી -મકાનના નબળા બાંધકામ અને પૂરતી સુવિધાઓ પૂરી ન પાડતા કાર્યવાહી કરવામાં આવી
ગુજરાતના નાગરિકોને વિશ્વાસપાત્ર, પારદર્શક અને ટકાઉ સ્થાવર મિલકત આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિકોને મિલકતને લગતા કાયદાઓથી રક્ષણ આપવાની સાથે રોકાણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી એટલે કે ગુજરેરા કાર્યરત છે.
આ સત્તામંડળ હેઠળ નાગરિકોની મિલકતને લગતા પ્રશ્નોના ઉકેલ લાવી જે તે બિલ્ડર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ ગુજરેરાના હુકમનો અનાદર કરી મકાન ખરીદનાર નાગરિકોને નબળા બાંધકામ, પૂરતી સુવિધાઓ પૂરી ન પાડવા બદલ ભાવનગરના બિલ્ડર્સને ૩૦ દિવસ કેદની સજા ફટકારવામાં આવી છે, તેમ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના સચિવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નાગરિકો દ્વારા ભાવનગરના “રૂદ્ર રેસીડેન્સી” પ્રોજેક્ટના ફ્લેટમાં બાકી કામો જેવા કે લિફ્ટ, પાર્કીંગ, નબળા અને હલકા પ્રકારનું બાંધકામ અંગે ગુજરાત રેરામાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
જેને ધ્યાને લઈ ઓથોરીટી દ્વારા બન્ને પક્ષકારોને પૂરતી તક આપી રૂદ્ર ડેવલપર્સ પ્રોજેકટમાં એ,બી,સી,ડી ચાર વિંગમાં ચાર લિફ્ટ ત્રણ માસમાં પૂરી પાડવા હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ સમયમર્યાદામાં આ સુવિધા પૂરી પાડવામાં ન આવતા ફરિયાદીઓ દ્વારા રેરા ઓથોરીટીમાં એક્ઝીક્યુશન પીટિશન દાખલ કરવામાં આવી હતી.
જે અંતર્ગત ગુજરાત રેરા દ્વારા હુકમ કરી ધરપકડ વોરંટ ઈશ્યુ કરીને રુદ્ર ડેવલપર્સના ભાગીદારો બાબુભાઈ વેલજીભાઈ બારૈયા અને હસમુખભાઈ શાંતિલાલ મેરને ૩૦ દિવસ કેદની સજા ફટકારી ગુજરાત રેરાની સિવિલ જેલમાં મોકલી આપ્યાં છે.