Western Times News

Gujarati News

ગુજરાતમાં વર્ષ-૨૦૨૫ દરમ્યાન ૩૦ IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે: ઋષિકેશ પટેલ

File

વર્ષ ૧૯૯ર થી ૧૯૯૪ દરમિયાન ગુજરાતમાં તત્કાલીન કોંગ્રેસ સરકારે સીધી ભરતીના કોઇ IAS અધિકારીની નિમણૂંક ન કરવા કરેલ નિર્ણયની ખોટ આજે પણ રાજ્યમાં વર્તાઇ રહી છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ ૩૧૩ જેમાં ૧૪ અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર

સીધી ભરતીથી IAS અધિકારીની દેશમાં ભરાયેલ સરેરાશ ૮૩.૩૯% જગ્યાઓની સામે ગુજરાતમાં ૮૪.૮૬% જગ્યાઓ ભરાયેલી

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી ૪૧ IAS અને  બઢતી તેમજ પસંદગીથી ૫૪ મળીને કુલ ૯૫ IAS અધિકારી મળ્યાં

ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ ૩૧૩ છે. જેમાં  ૧૪ અધિકારી હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને ૫૬ જગ્યાઓ ખાલી છે.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન SCS (રાજ્ય મુલ્કિ સેવા) અધિકારીઓમાંથી બઢતીથી ૨૦ તથા Non-SCS અધિકારીઓમાં પસંદગીથી ૦૨ મળીને કુલ-૨૨ IAS અધિકારીઓ, તેમજ ઑક્ટોબર-૨૦૨૫ સુધીમાં સીધી ભરતીથી અંદાજિત ૦૮ IAS મળીને ૩૦ IAS અધિકારીઓ રાજ્ય સરકારને ઉપલબ્ધ થશે .

વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, IAS (કેડર) રુલ્સ ૧૯૫૪ પ્રમાણે IAS માળખું કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારનાં પરામર્શમાં નક્કી કરાય છે. જેની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે.

છેલ્લે વર્ષ-૨૦૧૮ માં થયેલ સમીક્ષા પ્રમાણે IAS સંવર્ગમાં હાલ ૩૧૩ મહેકમ નિર્ધારીત થયેલ છે .જેમાં કેડર પોસ્ટ એટલે કે સીનિયર ડ્યુટી પોસ્ટ-૧૭૦, સેન્ટ્રલ ડેપ્યુટેશન રીઝર્વ – ૬૮, ,સ્ટેટ ડેપ્યુટેશન રીઝર્વ – ૪૨,  લીવ રીઝર્વ – ૨૮ અને ટ્રેનિંગ રીઝર્વ – ૦૫ છે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ- ૨૦૨૪ માં ૩૪૩ એટલે કે નવીન ૩૦ IAS ની જગ્યાઓ વધારી સંખ્યાબળ નિર્ધારિત કરવા માટે  કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સીધી ભરતીથી ૮ થી ૯ IAS મળતા રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને સીધી ભરતીથી કુલ ૪૧ IAS અધિકારી મળ્યાં છે.

પરંતુ વર્ષ ૧૯૯ર થી ૧૯૯૪ દરમ્યાન ત્રણ વર્ષમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યમાં સીધી ભરતીના કોઇ IAS અધિકારીની નિમણૂંક ન કરવા લીધેલ નિર્ણયની ખોટ આજે પણ રાજ્યમાં વર્તાઇ રહી છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાંવ્યુ હતું કે, રાજ્યમાં IAS માટે સીધી ભરતીથી  નિર્ધારીત જગ્યાઓ ૨૧૮ છે જેમાં હાલ ૧૯૦ ભરાયેલી છે. બઢતીથી IAS માં નિયુક્ત થવા પાત્ર જગ્યાઓ ૮૧  છે જેમાં ૫૭ ભરાયેલી છે . પસંદગીથી IAS માં નિયુક્ત થવા પાત્ર (નોન સિવિલ સ્ટેટના અધિકારીઓમાંથી) કુલ ૧૪ જગ્યાઓ પૈકી ૧૦ ભરાયેલ છે. આમ કુલ નિર્ધારીત મહેકમ ૩૧૩ માંથી ૨૫૭ ભરાયેલ છે.

અત્રે નોંધનીય છે કે, ભરતીથી દેશમાં ભરાયેલ સરેરાશ ૮૩.૩૯%ની સામે ગુજરાતમાં ૮૪.૮૬% જગ્યાઓ ભરાયેલ છે. જ્યારે બઢતીથી ભરવાની જગ્યાઓ દેશમાં સરેરાશ ૭૪.૮૬%ની સામે ગુજરાતમાં ૭૮.૯૫% ભરાયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.