AAPના કેજરીવાલના વિરોધમાં ૩૦ નિવૃત IPS અધિકારીઓએ સહી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/arvind-kejriwal-2-1024x768.jpg)
અરવિંદ કેજરીવાલ પર પોલીસ સાથે ગેરવર્તણૂંકનો આરોપ લગાવ્યો છે કેજરીવાલની ભાષાથી પોલીસની લાગણી દુભાઇ છે
ગાંધીનગર, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નિવૃત આઈપીએસ અધિકારીએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. પોલીસ સાથે ગેરવર્તણૂંકનો આરોપ લગાવીને તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલની ભાષાથી પોલીસની લાગણી દુભાઇ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ પત્રમાં કુલ ૩૦ નિવૃત IPS અધિકારીઓએ સહી કરી છે.
આ અંગે વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતનો પ્રવાસ ખેડી ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે.
ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ એક રીક્ષામાં સવાર થઈને રીક્ષા ચાલકના ઘરે ભોજન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાત પોલીસના અધિકારીઓ કેજરીવાલની સુરક્ષા માટે આવ્યા હતા. પ્રોટોકોલને કારણે તેમને રીક્ષામાં બેસતા રોકતા તેમની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.
કેજરીવાલે મીડિયા સામ IPS અધિકારીની ઝાટકણી કાઢી હતી. પોલીસ અધિકારીને કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગુજરાતની જનતા એટલે જ દુઃખી છે કેમ કે ભાજપના નેતાઓ જનતાની વચ્ચે નથી જતા અને અમે જનતાની વચ્ચે જઈએ છે તો તમે રોકો છો, મારે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી જાેઈતી.’
જે બાદ અરવિંદ કેજરીવાલે સુરક્ષા ન જાેઈતી હોવાનું લેખિતમાં આપી ઘાટલોડિયા રીક્ષાચાલકના ઘરે પહોંચ્યા હતા. હવે આ ઘટના અંગે IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની ભાષાથી પોલીસની લાગણી દુભાઇ છે.
અમદાવાદમાં રીક્ષા સવારી દરમિયાન અરવિંદ કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે કરેલી ગેરવર્તણૂકનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે કરેલી આ ગેરવર્તણૂંકને નિવૃત પોલીસ અધિકારીએ રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. નિવૃત આઈપીએસ અધિકારીએ રાષ્ટ્રપતિને લખેલા આ પત્રમાં ૩૦ નિવૃત IPS અધિકારીઓએ સહીં કરેલી છે.