અમદાવાદની સિવિલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા
(એજન્સી)અમદાવાદ, ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યા બાદ હવે અમદાવાદ સિવિલમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે. ચીનમાં ફેલાયેલી અણધારી બિમારીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. નોંધનિય છે કે, ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે ૬ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે.
જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ રાકેશ જાશીએ પણ આ અજાણી બીમારીને લઈ નિવેદન આપ્યું છે. રાકેશ જાશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ૩૦૦ બેડ બનાવાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છીએ. બાળકોમાં એચ-૯ એન-૨ કેસ અને શ્વાસ સંબંધી રોગો પર નજર રખાઇ રહી છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, પીપીઈ કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે.
સુપ્રીટેન્ડન્ટ રાકેશ જાશીએ કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનો પૂરતો જથ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ જણાય તો ડાક્ટરને બતાવો. ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. આ સાથે તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલોમાં તમામ તૈયારી કરવામાં આવી છે. તેમજ જરૂર જણાયે આઈસોલેશન વોર્ડ શરૂ કરાશે. રાકેશ જાશીએ કહ્યું કે, આ રોગ ભારતમાં આવે એવું નથી લાગતું.