Western Times News

Gujarati News

રાજ્યના 22 હજાર ગ્રામ્ય અને શહેરી સ્વસહાય જૂથોની 2.20 લાખ મહિલાઓને 300 કરોડની સહાય અર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનાં સ્વ-સહાય જૂથોને ચેક વિતરણનો  રાજ્યકક્ષાનો કાર્યક્રમ સંપન્ન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અંદાજિત રૂ. 43 કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમનું લોકાર્પણ

અમદાવાદના થલતેજ વિસ્તારમાં અંદાજિત રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. ઘોરણે નિર્માણ પામનાર કમ્યૂનિટી હેલ્થ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત-ખોખરા વિસ્તારની મેડિકલ કૉલેજનું ‘નરેન્દ્રભાઇ મોદી મેડિકલ કૉલેજ’ તરીકે નામાભિધાન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે અમદાવાદ શહેર ખાતે યોજાયેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનાં સ્વ- સહાય જૂથોને ચેક વિતરણના  રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઇએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે.

મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું કે, અગાઉની સરકારમાં જૂજ લોકો સુધી જ યોજનાકીય લાભો પહોંચતા હતા. જ્યારે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આયુષ્માન કાર્ડ, વૃદ્ધા પેન્શન, વિધવા સહાય જેવા અનેકવિધ યોજનાકીય લાભો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે તેમજ વિવિધ માધ્યમોની મદદથી ઘરે ઘરે પહોંચતા થયા છે.

અમદાવાદ શહેરમાં યોજાયેલ રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની દિશામાં આગેકદમ કરીને રાજ્યના 22 હજાર ગ્રામીણ અને શહેરી સ્વસહાય જૂથોની 2.20 લાખ જેટલી મહિલાઓને રૂ. 300 કરોડની રકમના લાભો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતાએ અમારી સરકારમાં વિશ્વાસ મૂક્યો છે.નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકારે સર્વાંગીણ વિકાસ કરીને આ વિશ્વાસનું વળતર ચૂકવ્યું છે.આજે રાજ્યના દરેક વર્ગ, સમુદાયને  વિકાસના મુખ્યપ્રવાહમાં જોડ્યા છે. જેના પરિણામે આજે ગુજરાત સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. વિકાસના દરેક ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાત દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે.

પ્રતીકરૂપે 8 મહિલા સ્વસહાય જૂથોને મુખ્યમંત્રી શ્રીએ નાણાકીય લાભ અર્પણ કર્યા બાદ સંવેદનાપૂર્વક જણાવ્યું કે, પારિવારિક મુશકેલીના સમયમાં મહિલાઓની નાની નાની બચત મહત્ત્વનો ભાગ ભજવે છે. મહિલાઓની નાણાકીય બચતોની આદત પરિવારની મુશકેલીમાં હંમેશાં મદદરૂપ બને છે.

વડાપ્રધાન શ્રી દેશની દીકરીઓ વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે બેટી બચાવો,બેટી પઢાવો અભિયાન શરૂ કર્યું. તેઓ ગુજરાતમાં હતા ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી, જેના પરિણામે આજે રાજ્યમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો નહિવત બન્યો છે.

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા નારીશક્તિને પગભર બનાવવા, સશક્ત બનાવવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતની મહિલાઓને સ્વનિર્ભર બનીને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં મદદરૂપ બનવા મુખ્યમંત્રી શ્રીએ અનુરોધ કર્યો હતો.

વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતુ.

જેના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અંદાજિત રૂ. 43 કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડીટોરીયમનું લોકાર્પણ, થલતેજ વિસ્તારમાં અંદાજિત રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. ઘોરણે નિર્માણ પામનાર કમ્યુનીટી હેલ્થ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત અને ખોખરા વિસ્તારની મેડિકલ કૉલેજનું નરેન્દ્રભાઇ મોદી મેડિકલ કૉલેજ તરીકે મુખ્યમંત્રી શ્રીના હસ્તે નામાભિધાન કરવામાં આવ્યું હતુ.

રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના સાંસદ સર્વ શ્રી કિરીટભાઇ સોલંકી, હસમુખભાઇ પટેલ, અમદાવાદ શહેર મેયર શ્રી કિરિટભાઇ પરમાર, વટવા વિધાનસભાના ઘારાસભ્ય અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી સુરેશભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી સોનલ મિશ્રા, અમ.મ્યુ.કોર્પોના કમિશ્નર શ્રી લોચન સેહરા સહિત મોટી સંખ્યામાં રાજ્યમાંથી આવેલ સ્વ સહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.