અમદાવાદ પાણીજન્ય રોગોના ભરડામાં: ઝાડા ઉલટીનાં ૩૧૨ તો ટાઈફોઈડનાં ૧૦૨ કેસ નોંધાયા
અમદાવાદ, અમદાવાદમાં વરસાદ બાદ હવે પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે.ઓગસ્ટ મહિનાના આરંભના છ દિવસમાં ઝાડા ઉલટીનાં ૩૧૨ અને ટાઈફોઈડનાં ૧૦૨ કેસ નોંધાયા છે.આ મહિનામાં લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી ૧૭ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.
છ ઓગસ્ટ સુધીમાં શહેરમાં ઝાડા ઉલટી અને ટાઈફોઈડનાં કેસ નોંધાવાની સાથે કમળાનાં ૭૧ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી છ ઓગસ્ટ સુધીમાં ઝાડા ઉલટીનાં કુલ ૪૨૩૩ કેસ નોંધાયા છે.
ટાઈફોઈડનાં ૧૨૨૨ અને કમળાનાં ૧૨૦૮ તથા કોલેરાનાં અત્યાર સુધીમાં કુલ ૧૮ કેસ નોંધાવા પામ્યા છે.આ સ્થિતિ દર્શાવે છે કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીના પોલ્યુશનની લોકો દ્વારા મ્યુનિ.તંત્ર સમક્ષ કરવામાં આવતી ફરિયાદનો સમયસર નિકાલ કરવામાં આવતો ના હોવાથી લોકોને પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે.
આ કારણથી જે તે વિસ્તારના લોકો પાણીજન્ય વિવિધ બિમારીઓનો ભોગ બની રહયા છે.ઓગસ્ટ મહિનાના છ દિવસમાં બેકટેરીયોલોજીકલ તપાસ માટે પાણીનાં કુલ ૩૧૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
છ ઓગસ્ટ સુધીના છ દિવસમાં મેલેરિયાનાં ૪૭, ઝેરી મેલેરિયાનો એક કેસ, ડેન્ગ્યૂના ૪૧ તથા ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી છ ઓગસ્ટ સુધીમાં શહેરમાં મેલેરિયાના કુલ ૪૮૬, ઝેરી મેલેરિયાનાં ૧૪, ડેન્ગ્યૂનાં ૧૬૮ અને ચિકનગુનિયાનાં ૧૪૩ કેસ નોંધાવા પામ્યા હતા.છ ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યૂની તપાસ માટે ૧,૦૩૦ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા.HS1MS