યુક્રેનના સુમી શહેરમાં રશિયાના મિસાઇલ હુમલામાં ૩૨ લોકોનાં મોત, ૯૯ ઘાયલ

કીવ, રશિયાએ રવિવારે યુક્રેનના શહેર સુમી પર કરેલા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયાં હતાં અને ૯૯ લોકો ઘાયલ થયાં હતાં.
લોકો સવારે પામ સન્ડેની ઉજવણી માટે લોકો એકઠા થયાં હતાં ત્યારે બે બેલિસ્ટિક મિસાઇલો ત્રાટક્યા હતાં. ળાન્સના પ્રેસિડન્ટ સહિતના વૈશ્વિક નેતાઓએ આ હુમલાની આકરી નિંદા કરી હતી. યુક્રેનની સ્ટેટ ઇમર્જન્સી સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયા હતાં.
તેમાં ૧૧ બાળકો સહિત ૯૯ લોકો ઘાયલ પણ થયા હતાં. યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે બે મિસાઇલ હુમલામાં ડઝનબંધ લોકોના મોત થયા છે અને બચાવ પ્રયાસો ચાલુ છે. કાયર લોકો જ આવા હુમલા કરીને સામાન્ય લોકોના જીવ લઈ શકે છે. યુક્રેનિયન પ્રેસિડેન્શિયલ કાર્યાલયના વડા એન્ડ્રી યર્માકે જણાવ્યું હતું કે આ હુમલામાં શક્ય તેટલા લોકોને મારવાના પ્રયાસમાં ક્લસ્ટર મ્યુનિશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સુમી પરનો હુમલો એક સપ્તાહમાં જ બીજો મોટો હુમલો છે. અગાઉ ઝેલેન્સ્કીના વતન ક્રીવરિહ પર ૪ એપ્રિલે થયેલા ઘાતક મિસાઇલ હુમલામાં ૯ બાળકો સહિત ૨૦ લોકોના મોત થયા હતાં. વૈશ્વિક પ્રતિભાવની હાકલ કરતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે વાટાઘાટાથી ક્યારેય બેલેસ્ટિક મિસાઇલ કે હવાઇ હુમલા બંધ થયા નથી. રશિયા સાથે એક ત્રાસવાદી જેવો અભિગમ અપનાવવાની જરૂરી છે.
આ હુમલાની આકરી ટીકા કરતાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે આ હુમલાથી બંને પક્ષો વચ્ચે અમેરિકાના નેતૃત્વ હેઠળની શાંતિ વાટાઘાટોને નબળી પાડી છે.
દરેક વ્યક્તિ જાણે છે કે આ યુદ્ધ ફક્ત રશિયાએ ચાલુ કર્યું છે અને આજે એ સ્પષ્ટ થયું છે કે રશિયા એકલું જ તેને ચાલુ રાખવાનું પસંદ કરે છે. રશિયા માનવ જીવન, આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રેસિડન્ટ ટ્રમ્પના રાજદ્વારી પ્રયાસોની સ્પષ્ટ અવગણના કરી રહ્યું છે.SS1MS