રાજ્યના 32000 મેડિકલ સ્ટોર્સ પરથી મતદાનનો પ્રચાર થશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. સામે પક્ષે ચૂંટણી પંચે પણ ગુજરાતની ૨૦૨૨ ચૂંટણીની તૈયારીઓ આરંભી છે.
જાેકે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આ વખતે ઈસીએ એક નવો જ રસ્તો અપનાવ્યો છેગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ મતદાન જાગૃતિ વધારવા માટે રાજ્યમાં અલગ અલગ સંસ્થા, એસોસિએશન અને એનજીઓ સાથે મળીને ચૂંટણી પંચ વધુ મતદાન માટે લોકોને પ્રેરિત કરવાના રસ્તાઓ ચકાસી રહી છે.
આ જ સંદર્ભે ઈલેક્શન કમિશને એક એમઓયુ સાઈન કર્યા છે. રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા દવા બજારના એસોસિયેશન સાથે કરાર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ એસોસિયેશન વચ્ચે એમઓયુ સાઈન થયા છે. આ નવીનતમ યોજનાના ભાગરૂપે રાજ્યની તમામ મેડિકલ સ્ટોરથી મતદાનનો પ્રચાર કરવામાં આવશે. મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા માટે સમજાવાશે અને જાગૃતિ કેળવવામાં આવશે.
પ્રાથમિક અંદાજ અનુસાર રાજ્યભરના અંદાજે ૩૨ હજાર મેડિકલ સ્ટોર ચૂંટણી પંચ સાથે જાેડાઈને વધુ મતદાન માટે પ્રેરિત કરશે.