ફ્લાવર શોનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત નવમાં વર્ષે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ફલાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. ફલાવર-શો 4 જાન્યુઆરી 2020ના રોજ શરૂ થયો છે. જેમાં વિવિધ આકર્ષણોની સાથે “સ્ટેચ્યુ ઓફ યુનીટી” અને સંજીવની જડીબુટ્ટી લઈ આવતા હનુમાનજીના પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. ફ્લાવર શોનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું. આ પ્રસંગે મેયર બીજલ પટેલ, વાહનવ્યવહાર મંત્રી, આર.સી. ફળદુ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા, સુરેન્દ્ર પટેલ, કેશવ વર્મા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
4થી જાન્યુઆરીથી શરૂ થનારો ફલાવર શો 19 જાન્યુઆરી, 2020 સુધી ચાલશે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ફલાવર ગાર્ડન પાસે જાન્યુઆરી મહીનાના પ્રથમ પખવાડીયામાં ફલાવર- શો નું આયોજન કરવામાં આવશે. વર્ષ ર૦ર૦માં યોજાનાર ફલાવર શો માં ફૂલ છોડના રોપાની પ્રદર્શની ફલાવર ગાર્ડનની ૩૮ હજાર સ્કે.મીટર જમીન પર રાખવામાં આવશે. ગત વર્ષે ઈવેન્ટ સેન્ટરની ૬ હજાર ચો.મી. જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીજી ની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત બાપુના જીવન-ચરીત્ર સાથે સંકળાયેલ ૦૬ જેટલા સ્કલ્પચર બનાવવામાં આવશે.