Western Times News

Gujarati News

336 ઓક્સિજન બેડ અને 90 ICU બેડથી સજ્જ કિડની હોસ્પિટલ તૈયાર

પ્રતિકાત્મક

આઈકેડીઆરસીએ તેના નવા કેમ્પસમાં ઈમરજન્સી કોવિડ સુવિધા શરૂ કરી

અમદાવાદઃ  ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી), જે મુખ્યત્વે કિડની હોસ્પિટલ તરીકે જાણીતી છે તેણે  મંગળવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોવિડ-19 સંક્રમિત ઈનડોર દર્દીઓ માટે નવા કેમ્પસના દ્વાર ખોલી દીધા છે.

તેના જૂના કેમ્પસની નજીક મંજૂશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતે દસ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી આ નવી સુવિધા કોવિડ-19 સંક્રમિત દર્દીઓને દાખલ કરવા માટે વેંટિલેટરી સપોર્ટની સાથે 336 ઓક્સિજન બેડ અને 90 આઈસીયુ બેડથી વિશેષ રીતે સજ્જ છે.

KidneyHospital-ahmedabad
Kidney Hospital-ahmedabad

“મંજૂશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતેની કોવિડ સુવિધા કોઇ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે વેંટિલેટરી સેવાઓ સાથે 90 આઈસીયુ બેડ સહિત 426 બેડ સાથે ઈનડોર દર્દીઓ માટે તૈયાર છે.” – તેમ હોસ્પિટલ શરૂ કરાયાના પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કિડની હોસ્પિટલની નવી સુવિધા કિડનીના દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે, પરંતુ કોરોના મહામારીના પગલે હાલ તે કોવિડ દર્દીઓની સારવાર કરશે. તેમણે માહિતી આપી હતી કે વડા પ્રધાનની સહાયથી પ્રાપ્ત 80 વેન્ટિલેટર્સમાંથી 56 વેન્ટિલેટર્સ આ નવી હોસ્પિટલ ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.

ટીમના પ્રયત્નોની પ્રસંશા કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિક્રમજનક 6 દિવસમાં આ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો, પેરા-મેડિકલ સ્ટાફ અને સહાયક કર્મચારીઓ સહિતની સુવિધા શરૂ કરવામાં આવી છે.

“અમે મહામારીની પહેલી લહેર દરમિયાન કો-મોર્બિડિટીસ સાથેના કોવિડ દર્દીઓની સારવાર માટે પૂરતી શીખ અને અનુભવ એકત્ર કર્યો છે અને અમારી નવી શરૂ કરાયેલી હોસ્પિટલ સાથે અમે મોટી સંખ્યામાં ગંભીર દર્દીઓની સારવાર કરવા માટે તૈયાર છીએ.” – તેમ જણાવતા આઈકેડીઆરસી-આઈટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ વધુમાં જણાવ્યું કે આઈકેડીઆરસી ગંભીર સારવારની જરૂરિયાતમાં દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવા માટેનો વિશ્વાસ ધરાવે છે.

રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાથી મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી આઈકેડીઆરસીએ આશરે 1000 કોવિડ દર્દીઓની સારવાર કરી છે. તેણે 1200 બેડની સુવિધા બંધ થયા બાદ જૂન મહિનામાં તેની કોવિડ ઈનડોર પેશન્ટ સુવિધાને બંધ કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.