Western Times News

Gujarati News

34.52 લાખ વિદ્યાર્થી CBSEની પરીક્ષા આપશે

પ્રતિકાત્મક

અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૩૪.૫૨ લાખ જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. CBSE દ્વારા એક્ટિવિટી કેલેન્ડર જાહેર કરાયું છે જે મુજબ બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી પછી શરૂ થશે અને એપ્રિલની શરૂઆતમાં પૂર્ણ થશે. ત્યારબાદ મેના પ્રથમ સપ્તાહમાં બોર્ડના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.

આ વખતે બોર્ડ દ્વારા ૩૨ લાખ જેટલા વિદ્યાર્થીની માર્કશીટ સહિતના સર્ટિફિકેટ પરિણામના દિવસે જ ડીજી લોકરમાં અપલોડ કરી દેવાશે. પરિણામ જાહેર થયા બાદ પુન: મૂલ્યાંકનની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરી જૂનમાં પુન: મૂલ્યાંકનના પરિણામો પણ જાહેર કરી દેવાશે. જેથી વિદ્યાર્થીને કોલેજમાં પ્રવેશ માટે મુશ્કેલી ન પડે. અગાઉ પ્રવેશને લઈને પડતી મશ્કેલીઓ દૂર કરવા માટે બોર્ડ દ્વારા ફેબ્રુઆરીથી જ પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે.

CBSE બોર્ડ દ્વારા માસિક એક્ટિવિટી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આગામી વર્ષ દરમિયાન શું કામગીરી કરવામાં આવશે તેનો ચિતાર આપવામાં આવ્યો છે. એક્ટિવિટી કેલેન્ડર પ્રમાણે બોર્ડ દ્વારા ૧૫ ફેબ્રુઆરી પછી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા શરૂ કરવાનું નક્કી કરાયું છે. જેમાં ધો.૧૨ના કેટલાક મહત્ત્વના પેપર ફેબ્રુઆરીમાં જ લેવામાં આવશે.

મોટાભાગે ફેબ્રુઆરીમાં ધો.૧૦ અને ધો.૧૨ના કેટલાક વિષયોની પરીક્ષા પૂર્ણ કરી દેવાનું આયોજન છે. માર્ચ અને એપ્રિલમાં ધો.૧૦ અને ધો.૧૨ના મહત્ત્વના વિષયોની પરીક્ષા લેવાશે. એપ્રિલની શરૂઆતમાં પરીક્ષાઓ પૂર્ણ કરવાનું આયોજન છે. જોકે, આ અંતે સત્તાવાર કાર્યક્રમ નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે.

CBSEના એક્ટિવિટી કેલેન્ડર મુજબ ધો.૧૦માં આ વખતે ૨૧.૬૪ લાખ વિદ્યાર્થી અને ધો.૧૨માં ૧૨.૮૮ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. આમ, બોર્ડની પરીક્ષામાં કુલ ૩૪.૫૨ લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે. એપ્રિલમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે.

મૂલ્યાંકનની કામગીરીમાં ભૂલ ન રહે તે માટે સમગ્ર દેશમાં મૂલ્યાંકન માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ મૂલ્યાંકન માટે ૧.૩૦ લાખ જેટલા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે, જેથી ઝડપથી પરિણામ તૈયાર કરી શકાય. બોર્ડ દ્વારા આ વખતે ધો.૧૨નું પરિણામ ૨ મેના રોજ અને ધો.૧૦નું પરિણામ ૬ મેના રોજ જાહેર કરવાનું નક્કી કર્યુ છે. આમ, પરિણામ અંગેની પણ જાહેરાત બોર્ડ દ્વારા એક્ટિવિટી કેલેન્ડરમાં કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.