આ વર્ષે પહેલીવાર આઠમના દિવસે સુરતમાં 35 ફૂટ ઉંચી મટકી બાંધવામાં આવી
યુથ ફોર ગુજરાતે દોઢ લાખ રૂપિયાના ઈનામો જાહેર કર્યા
(એજન્સી) સુરત, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના ભાગળ ચાર રસ્તા પર જન્માષ્ટમીની ખૂબ જ ભવ્ય ઉજવણી માટેની તૈયારી કરાઈ છે. આ વર્ષે પહેલીવાર આઠમના દિવસે ભાગળ ચાર રસ્તા પર ૩પ ફૂટ ઉંચી મટકી બાંધવામાં આવશે જે રાજ્યની સૌથી ઉંચી મટકી બની રહેશે.
સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના કોટ વિસ્તારમાં આવેલા ભાગળ ચાર રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ થવાનો છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાંજે ૪ઃ૦૦ કલાકે ભાગળ ચાશ રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મટકી ફોડ કાર્યક્રમમાં કયા મંડળને તક મળશે તે અંગેનો ડ્રો કરવામાં આવ્યો હતો.
ડ્રોમાં વેડરોડના યુવક મંડળનું નામ નીકળ્યું છે. એટલે ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડરોડના યુવક મંડળના ગોવિંદ ફોડશે. તેઓને ૧૧,૦૦૦નું રોકડ ઈનામ તથા ટ્રોફી આપવામાં આવશે. ઉપરાંત આ વર્ષે ભાગળ પર મહિલાઓ માટે વિશેષ ર મટકી બાંધવામાં આવશે જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ઠ કલબનું મહિલા મંડળ અને રૂદરપુરા ખારવા વાડનું આર.કે.સ્પોર્ટ કલબનું મહિલા મંડળ મટકી ફોડશે.
પત્રકાર પરિષદને સંબોધતા શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતે કહ્યું કે, આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે. આ મહિલા મંડળોને ૧૧૦૦૦નું રોકડ ઈનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. આ વર્ષે ભાગળ ચાર રસ્તા ઉપર રપ વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની અલગ મટકી બાંધવામાં આવશે.
તેમાં કોને તક મળશે તે માટેના ડ્રોમાં અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોટ્સ કલબનું નામ ખુલ્યું હતું. આ મંડળ આ મટકી ફોડશે. તેમને ૧૧૦૦૦ રૂપિયા રોકડ ઈનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે. તેમનું સ્વાગત કરી આશ્વાસન ઈનામ તથા ટ્રોફી આપવામાં આવશે.