Western Times News

Gujarati News

૩૫ લોકો ફેક ડૉક્યુમેન્ટ્‌સ પર USA ગયા હોવાની શંકા

અમદાવાદ, કેનેડા પહોંચ્યા બાદ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં કાતિલ ઠંડીમાં થીજીને મોતને ભેટેલા ડીંગુચાના એક જ પરિવારના ચાર લોકોના મોત થયા બાદ પણ લોકોનો જીવના જાેખમે પણ અમેરિકા જવાનો મોહ નથી ઘટી રહ્યો.

પોલીસે હાલમાં જ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં વિદેશ પ્રવાસ માટે ફેક ડોક્યુમેન્ટ બનાવી આપતા એક રેકેટનો ભાંડો ફોડ્યો છે. જે ઓફિસમાં આ દસ્તાવેજ તૈયાર કરાતા હતા તેની તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક ગણતરીના મહિનામાં જ માત્ર ડીંગુચામાંથી જ ૩૫ જેટલા લોકો ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળી ગયા છે.

અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ન્યૂ રાણિપ વિસ્તારમાં રહેતા એક શખશ અને તેના બે દીકરા દ્વારા દિલ્હી દરવાજા વિસ્તારમાં ચલાવાતી ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસને નકલી દસ્તાવેજાે મળતા આ સમગ્ર કાંડનો ભાંડો ફુટ્યો હતો.

સોમવારે ઓફિસના સર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાસપોર્ટ તેમજ વિઝા મેળવવા માટે જરુરી દસ્તાવેજાે આ ઓફિસમાં ગેરકાયદે રીતે તૈયાર કરવામાં આવતા હતા. અંદાજે એક હજાર જેટલા લોકોના દસ્તાવેજ આ ઓફિસમાં તૈયાર થયા હોવાનું પોલીસનું માનવું છે.

આ તમામ લોકો છેલ્લા ચાર વર્ષમાં અમેરિકા જતા રહ્યા હોવાની પોલીસને શંકા છે. આ રેકેટ ચલાવનારા મુખ્ય આરોપીની ઓળખ સૂર્યપ્રકાશ કોષ્ટી તરીકે કરવામાં આવી છે. જેની સાથે તેના બે દીકરા અભિષેક અને નિશિથ પણ સામેલ હતા.

આ તમામ લોકો ન્યૂ રાણિપના સન રિયલ હોમ્સમાં રહે છે. તેમની સાથે ન્યૂ રાણિપના જ ઉદયપ્રકાશ પુજારી અને જયેશ કોષ્ટીની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉદયપ્રકાશ ન્યૂ રાણિપની પ્રમુખ સોસાયટીમાં રહે છે, જ્યારે જયેશ કોષ્ટી બાપુનગરની ઓતંબા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

SOG સૂત્રોનું માનીએ તો તમામ આરોપી ફેક બેંક સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ, ગુમાસ્તા લાઈસન્સ, આઈટી સર્ટિફિકેટ તૈયાર કરી આપતા હતા. વિઝા અને પાસપોર્ટ માટે જરુરી કોઈપણ ડોક્યુમેન્ટ ગેરકાયદે રીતે તૈયાર કરી આપવાનો તગડો ચાર્જ વસૂલવામાં આવતો હતો.

છેલ્લા ચાર વર્ષથી આ ઓફિસ ચલાવાતી હતી. પોલીસે તેમના કમ્પ્યુટરની તપાસ કરતા એક હજાર જેટલા લોકોના ફેક દસ્તાવેજ તૈયાર કરાયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. તપાસ હજુય ચાલુ છે ત્યારે આ આંકડો હજુય વધી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, નકલી દસ્તાવેજ લેનારા જે ૧,૦૦૦ લોકોની પોલીસને વિગતો મળી છે તેમાંથી ૩૫ તો ડીંગુચાના જ છે.

પોલીસને આરોપીઓ પાસેથી અલગ-અલગ ગ્રામપંચાયતના સિક્કા પણ મળ્યા છે, જેમાં ડીંગુચાના સ્ટેમ્પનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી ડીંગુચાની ફાઈલો પણ મળી આવતા તેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા મોકલતા એજન્ટોના સંપર્કમાં હોવાની પોલીસને શંકા છે.

ઉલ્લેખનીય છે કે, ૧૯ જાન્યુઆરીના રોજ બોર્ડર ક્રોસ કરી કેનેડાથી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં ડીંગુચાના જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી, દીકરી વિહંગા અને ત્રણ વર્ષનો દીકરો ધાર્મિક કાતિલ ઠંડીમાં મોતને ભેટ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.