Western Times News

Gujarati News

ગોલ્ડ મેડલના ગોલ સાથે ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ ઊતરશે મેદાનમાં

36મી નેશનલ ગેમ્સ –  ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં રમશે-ગુજરાતની ટીમ છેલ્લા 45 દિવસથી દરરોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરે છે

36મી નેશનલ ગેમમાં ગોલ્ડના ગોલ સાથે ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમે ઘર આગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. ટીમ છેલ્લાં 45 દિવસથી પ્રિ-કેમ્પમાં દરરોજ 3-4 કલાક સતત મહેનત પણ કરી રહી છે.

આ અંગે ગુજરાત વિમેન ફૂટબોલ ટીમના એક્સપર્ટ કોચ કલ્પના દાસે જણાવ્યુ કે,  ‘હું મૂળ તામિલનાડુની છું અને આ ટીમ સાથે છેલ્લા 1 વર્ષથી જોડાયેલી છું. ગુજરાતની ટીમમાં જબરદસ્ત જુસ્સો જોવા મળી રહ્યો છે અને ટીમમાં નેશનલ ગેમ્સને લઇને ખૂબ ઉત્સાહિત પણ છે કેમ કે, ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લઇ રહી છે. આ ટીમનો જુસ્સો અને ઝૂનૂન અત્યારે હાઇ લેવલ પર છે. ટીમ માત્ર મેડલ જીતવાના લક્ષ્યાંક સાથે જ મેદાનમાં ઊતરશે.

ગુજરાતની વિમેન ફૂટબોલ ટીમ આ વખતે ટફ ફાઇટ આપવાના ઉદ્દેશ સાથે મેદાનમાં ઊતરવાની છે. અમારી ટીમ કોઇ પણ મેચને હળવાશથી નહીં લે અને અમે આસાનીથી હાર માનવાના પણ નથી. હાલમાં ગુજરાતની વિમેન ફૂટબોલ ટીમ છેલ્લા 45 દિવસથી કેમ્પમાં દરરોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરી રહી છે. અમે અત્યારે કુલ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હાલમાં જ ગર્લ્સની ફૂટબોલ ટીમે બોય્ઝ ફૂટબોલ ટીમ સાથે પ્રેક્ટિસ મેચ પણ રમી છે, જેમાં ગર્લ્સની ટીમે સારું પ્રદર્શન પણ કર્યું હતું. મને આશા છે કે ગુજરાતની વિમેન ફૂટબોલ ટીમ જરૂરથી મેડલ જીતશે…’

ગુજરાત વિમેન ફુટબોલના હેડ કોચ મંયકભાઈ સેલેરે કહ્યું કે, ‘ટીમના કોચ અને ફિઝિયો તરફથી ખેલાડીઓને તમામ પ્રકારની મદદ મળી રહી છે. ખેલાડીઓ અત્યારે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગુજરાત વિમેન ફૂટબોલની ટીમ નેશનલ ગેમ્સ રમવા માટે ખૂબ એક્સાઇટેડ પણ છે. ટીમનું એક જ  લક્ષ્ય છે ગોલ્ડ મેડલ જીતવાનું. ઘર આગણે નેશનલ ગેમ યોજાઇ રહી છે તેની ગુજરાતની ટીમને ખુશી પણ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં વિમેન ફૂટબોલની મેચો રમાશે. 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી દરરોજ બે મેચ યોજાશે. પ્રથમ મેચ સવારે 9.30થી 11.30 કલાક સુધી અને બીજી મેચ બપોરે 3.30થી 5.30 કલાક સુધી યોજાશે. 36મી નેશનલ વિમેન ફૂટબોલ ગેમમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે. જેમાં ગુજરાત, મિઝોરમ, ગોવા, ઓડિશા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આસામ અને મણિપુરની ટીમોનો સમાવેશ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિમેન ફૂટબોલ ટીમની પ્રથમ મેચ 2 ઓક્ટોબરે આસામ સામે થશે. ત્યારબાદ 4 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને 6 ઓક્ટોબરે ઓડિશા સામે થશે. – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.