GTU ખાતે 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમનું આયોજન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો.- ખેલ મહાકુંભ દ્વારા ઘણી પ્રતિભાઓની શોધ થઈ છે જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ્સ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે આજે રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અવેરનેસ કેમ્પેઇન અને ‘celebrating unity through sports’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો. જેના ભાગરૂપે આજે આપણું રાજ્ય 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવા સજ્જ છે.
છેલ્લે નેશનલ ગેમ્સ 2015માં કેરળ ખાતે યોજવામાં આવી હતી. આજે 7 વર્ષ બાદ દેશની સૌથી મોટી રમતગમત ટુર્નામેન્ટ ગુજરાતના આંગણે યોજાવા જઈ રહી છે એ આપણું સૌભાગ્ય છે. ભૂતકાળમાં નેશનલ ગેમ્સના આયોજન માટે રાજ્યો 3-4 વર્ષનો સમય લેતા હતા જ્યારે આજે આપણે 3-4 મહિનામાં જ આ ટુર્નામેન્ટ યોજવા રેડી થઈ રહ્યા છીએ, જે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે થયેલા વિકાસની સાબિતી છે.
નેશનલ ગેમ્સમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે યોજાનાર કુલ ૩૬ રમતોમાં ૭૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ખેલ મહાકુંભની શરૂઆત કરીને રમતગમત પ્રત્યે ગુજરાતને ઘણું આગળ પહોંચાડ્યું છે. ખેલ મહાકુંભ દ્વારા ઘણી પ્રતિભાઓની શોધ થઈ છે જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ્સ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
૨૦૩૬ માં ભારત ઓલમ્પિકનું યજમાન બને તે માટે ગુજરાતે અત્યારથી જ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનો, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત ઈન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરીને રાજ્યના યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ આપવાની સાથોસાથ ઓલમ્પિક યજમાની માટે પણ દાવેદારી નોંધાવી છે. આજે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને કોચથી લઈને ભોજન સુધીની તમામ સુવિધાઓ પૂરી પાડીને તેમના કૌશલ્યને યોગ્ય દિશા મળે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે.
અમદાવાદમાં મોટેરા ખાતે સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું સ્પોર્ટસ સ્ટેડિયમ એવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરા ખાતે રૂપિયા ૬૩૧ કરોડના ખર્ચે બની રહેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચાંદખેડા ખાતે બનવા જઈ રહેલ નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મેમ્કો ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પૂર્વ અને પશ્ચિમ બંને સાઈડ પર બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેવા અનેકવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત માટેના મેદાનો અને કોમ્પલેક્ષ અમદાવાદની નેશનલ ગેમ્સ અને અન્ય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રમતોના આયોજન માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ડબલ એન્જિન સરકાર અને મ્યુનિસીપલ કોર્પોરેશન રાજ્યના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
આ પ્રસંગે જીટીયુના કુલપતિ શ્રી નવીન શેઠે જણાવ્યું હતું કે, પહેલી જ વખત ગુજરાત રાજ્ય 36મી નેશનલ ગેમ્સની યજમાની કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં જ્યારે દેશના ખૂણે ખૂણેથી આપણા આંગણે ખેલાડીઓ પધારવાના છે ત્યારે રાજ્યના યુવાનોમાં અને લોકોમાં નેશનલ ગેમ્સની યજમાનીને લઈને અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સાવજ મેસ્કોટ સાથે ગુજરાતના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે. રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ કક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને કારણે આટલા ટૂંકા ગાળામાં ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની કરવા રાજ્ય સજ્જ બન્યું છે.
જીટીયુ એક ટેકનિકલ યુનિવર્સિટી હોવા છતાં સ્પોર્ટ્સમાં ખૂબ જ આગળ રહે છે. જીટીયુ ખાતે અનેકવિધ રમતો માટે ખેલાડીઓને ટ્રેનિંગ તેમજ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર અને કોચિસ પૂરા પાડવામાં આવે છે. જીટીયુની વિવિધ ટીમો રાજ્યકક્ષાની ટુર્નામેન્ટસ્ માં સક્રિય રીતે ભાગ લેતી હોય છે. ખેલમહાકુંભમાં પણ જીટીયુની વિવિધ ટીમોએ મેડલ્સ મેળવ્યાં છે. આ ઉપરાંત, યોગા, મલખમ અને કબડ્ડી જેવી પરંપરાગત રમતો અને ઉપક્રમો માટે પણ જીટીયુમાં તાલીમ પૂરી પાડવામાં આવે છે. આવનારા દિવસોમાં આ જ રીતે ગુજરાત કોમનવેલ્થ, એશિયાડ અને ઓલમ્પિક ગેમ્સનું પણ આયોજન કરશે તેમજ ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરશે.
આ પ્રસંગે ખેલમહાકુંભની વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા તેમજ નેશનલ ગેમ્સ મેસ્કોટ અને એન્થમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌને જીટીયુ સ્પોર્ટ્સ ઑફિસર શ્રી આકાશ ગોહિલ દ્વારા ‘ફીટ ઇન્ડિયા’ના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ધારાસભ્ય શ્રી શંભૂજી ઠાકોર, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, સોફ્ટ બોલ પ્લેયર શ્રી અનિકેત પટેલ, સ્પોર્ટ્સ ફેડરેશન અને એસોસિએશન સાથે સંકળાયેલા અધિકારીઓ, પદાધિકારીઓ, જીટીયુના પ્રોફેસરો તેમજ અધિકારીઓ ઉપરાંત વિવિધ ખેલાડીઓ અને કોચ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.