પાટણમાં ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

( માહિતી બ્યુરો, પાટણ ) રમત એ જીવનનો એક ભાગ છે. રમત શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ આપે છે. દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રમત-ગમત પર ભાર મુક્યો છે. રાજ્યમાં ૧૨ સપ્ટેમ્બર,૨૦૨૨ થી ૧૬ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે
ત્યારે તેના ભાગરૂપે પાટણમાં આજરોજ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કન્વેન્શન હોલ ખાતે આયોજીત આજના આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
તા.૨૯ સપ્ટેમ્બરથી જ્યારે નેશનલ ગેમ્સનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે વિવિધ જિલ્લામાં અવેરનેસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આજરોજ પાટણ ખાતે આયોજીત ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમના અધ્યક્ષ એવા મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે,
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરદર્શિતાના કારણે આજે રમતગમત ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ ઝળહળ્યુ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમશે ગુજરાત, જીતશે ગુજરાત સાથે રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.
જેની પુરા વિશ્વમાં નોંધ લેવાઈ છે. ગુજરાતના રમતવીરોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનને આજે આખુ વિશ્વ નિહાળી રહ્યુ છે. ગુજરાતમાં અનેક એવા ખેલાડીઓ છે કે જેઓએ વિવિધ રમતોમાં વિશ્વસ્તરે નામના મેળવીને દેશનું નામ રોશન કર્યુ છે.
૨૯મી સપ્ટેમ્બરથી જ્યારે ૭ વર્ષ બાદ નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પાટણના રમતવીરો પણ આગળ આવે અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવું છુ. આગામી તા.૨૯મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પધારશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે.