GMERS મેડિકલ કોલેજમાં ૩૯ અનુસ્નાતક બેઠકો માટે દરખાસ્ત કરાઈ: ૮ બેઠકો મંજૂર
રાજ્યમાં જી.એમ.ઈ.આર.એસ હેઠળ અમદાવાદ સોલા, વડોદરા અને ગાંધીનગરની કોલેજમાં નવ વિભાગોમાં ૮૭ એમ.ડી / એમ.એસની બેઠકો ઉપલબ્ધ: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ઓબ્સ એન્ડ ગાયનેક, ઈ.એન.ટી,ઓપ્થેલ્મોલોજી, એનેસ્થેશિયા, સાયક્યાટ્રીક, રેસ્પી.મેડિસિન અને ડર્મેટોલોજીના એમ.ડી એમ.એસના અભ્યાસક્રમો કાર્યરત
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના તબીબી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું અનુસ્નાતક શિક્ષણ ઘર આંગણે જ મળી રહે તે માટે રાજ્યની જી.એમ.ઈ.આર.એસ હેઠળની અમદાવાદ સોલા, વડોદરા અને ગાંધીનગરની મેડિકલ કોલેજોમાં ૮૭ એમ.ડી./એમ.એસની બેઠકો ઉપલબ્ધ છે. જેમાં નવ વિભાગોમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
વિધાનસભા ખાતે જી.એમ.ઇ.આર.એસની કોલેજોમાં અનુસ્નાતક બેઠકોમાં સંખ્યામાં વધારો કરવાના અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, તા.૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ સોલા-અમદાવાદ, ધારપુર-પાટણ, વલસાડ અને હિંમતનગર મેડીકલ કોલેજોમાં પેથોલોજી, એનેસ્થેશિયા, માઈક્રોબાયોજી, ઓર્થોપેડિક સર્જરી જેવા વિભાગોમાં ૩૯ અનુસ્નાતક બેઠકો માટે દરખાસ્ત કરાઈ છે જે પૈકી ૮ બેઠકો માટે મંજૂરી મળી છે. બાકીની બેઠકો માટે ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ છે. તે પૂર્ણ થયે મંજૂરી મળશે.
મંત્રી શ્રી ઉમેર્યું કે, રાજ્યમાં જી.એમ.ઈ.આર.એસ બેઠક સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, વલસાડ, હિંમતનગર, વડનગર અને જૂનાગઢ મળી કુલ ૮ કોલેજોમાં અનુસ્નાતકના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. આ બેઠકોમાં એમ.ડી / એમ.એસ, ડી.એમ.બી. અને ડી.એન.બી. ડિપ્લોમાના અનુસ્નાતક અભ્યાસક્રમો ચાલવવામાં આવે છે. જેમાં એમ.ડી./એમ.એસ વિભાગમાં પેથોલોજી, માઈક્રોબાયોલોજી, ઓબ્સ એન્ડ ગાયનેક, ઈ.એન.ટી, ઓપ્થલ્મોલોજી, સાયક્યાટ્રીક, રેસ્પી મેડીસીન અને ડર્મેટોલોજીના અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, જી.એમ.ઈ.આર.એસ હેઠળની કોલેજોમાં એમ.ડી / એમ.એસ અભ્યાસક્રમોમાં હાલ જે ૮૭ બેઠકો છે જેમાં સોલા-અમદાવાદ ખાતે ૪૫, ગોત્રી-વડોદરા ખાતે ૨૪ અને ગાંધીનગર ખાતે ૧૮ બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે ૧૨ વિભાગોમાં ડી.એન.બી/ડી.એન.બી ડિપ્લોમા કોર્સમાં ૧૪૪ બેઠકો ઉપલબ્ધ છે
જેમાં સોલા-અમદાવાદ ખાતે ૧૭, ગોત્રી-વડોદરામાં ૨૩, ગાંધીનગરમાં ૨૧, ધારપુર-પાટણ ૧૭, વલસાડમાં ૨૬, હિંમતનગરમાં ૨૭, વડનગરમાં ૫ અને જૂનાગઢમાં ૮ બેઠકો ઉપલબ્ધ છે. આમાં જનરલ મેડીસીન, પીડિયાટ્રીકસ, ઓબ્સ એન્ડ ગાયનેક, ઈ.એન.ટી, ઓપ્થ્લ્મોલોજી, એનેસ્થ્યેશ્યોલોજી, જનરલસર્જરી, ઓર્થોપેડીકસ, ડર્મેટોલોજી, રેડિયોલોજી, રેસ્પી.મેડીસીન અને પેથોલોજીના અભ્યાસક્રમો ચાલવામાં આવે છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, અનુસ્નાતક અભ્યાસ ક્રમોની બેઠકોમાં વધારો કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) નવી દિલ્હીને દરખાસ્ત કરવામાં આવે છે. હાલ ઈન્સ્પેક્શન પ્રક્રિયા ચાલુ છે તે પૂર્ણ થયે બેઠકોમાં વધારો થઈ શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.