પાસા હેઠળના ૩૯૦ કેદીઓ મતદાન જેલમાં કરશે
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યની જેલોમાં કેદીઓને બેલેટ પેપર આપીને મતદાન કરવા માટેની તૈયારી કરી દેવાઈ છે. પાસા હેઠળ પકડાયેલા ૩૯૦ કેદીઓ બેલેટ પેપર થકી મતદાન કરશે.
૧ ડિસેમ્બરે ગુજરાતમાં મતદાન યોજાવાનું છે એ પહેલા આવતા અઠવાડિયે જેલોમાં મતદાન થશે. અટકાયતીઓ પૈકીના એક અબ્દુલ કાદિર મહેબૂબ સૈયદ કે જેઓ હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે. તેમણે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે નવસારી બેઠક પરથી ફોર્મ ભર્યું છે.
જાેકે, ભારતીય ચૂંટણી પંચની વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે, અબ્દુલ કાદિરનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. રાજ્યના જેલ વિભાગના અધિકારીઓએ માહિતી આપી કે, મંગળવાર સાંજ સુધીમાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલા ૩૯૦ શખ્સો છે. જે પૈકી ૩૮૧ પુરુષો અને ૯ મહિલાઓ છે. જાે આ અટકાયતીઓ આવતા અઠવાડિયા સુધી જેલમાં જ રહેશો તો તેઓ અહીં જ મતદાન કરશે.
જેલ સત્તાધીશોએ કહ્યું કે, સામાન્ય રીતે આ કેટેગરીમાં ૧૦૦ ટકા મતદાન થાય છે. ADGP (જેલ) કે.એલ.એન રાવનું કહેવું છે કે, લાયકાત ધરાવતા કેદીઓ મતદાન કરી શકે તે માટે બધી જ તૈયારીઓ થઈ ગઈ હોય તેની ખાતરી કરવામાં આવી છે.
વિભાગના સત્તાધીશોનું કહેવું છે કે, પ્રક્રિયા પ્રમાણે તેમણે અટકાયતીઓના નામ ચૂંટણી પંચને મોકલી દીધા છે સાથે જ તેઓ કયા મતક્ષેત્રમાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી છે.
વેરિફિકેશન કર્યા પછી ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટ આપી દીધા છે, જે અટકાયતીઓને આપવામાં આવશે. તેઓ મનપસંદ ઉમેદવારના નામ અને નિશાન સામે ખરાંની નિશાની કરશે અને તે પછી ફરીથી કવર સીલ કરીને રિટર્નિંગ ઓફિસરને મોકલી દેવાશે. મતગણતરી કરતાં પહેલા બેલેટને ટેલી કરવામાં આવશે, તેમ એક અધિકારીએ જણાવ્યું.
નિષ્ણાતોના મતાનુસાર, ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર, દોષિતો અને કાચા કામના કેદીઓને મત આપવાનો અધિકાર નથી. રાજ્યની જેલોમાં કેદીઓનો વહીવટ સંભાળવા માટે આંતરિક સમિતિની રચના કરવા ચૂંટણી યોજવાની પોતાની અલગ વ્યવસ્થા હોય છે. આ પ્રક્રિયામાં ઉમેદવારોનો પ્રચાર પણ સામેલ હોય છે.SS1MS