વૈશ્વિક નેતૃત્વ વિશ્વને ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ ધકેલશે કે શાંતિના માર્ગે લઈ જશે ?
અમેરિકા, રશિયા,ચીન, ઉત્તર કોરિયા, ઈઝરાયલ, ઈરાન સીધી યા આડકતરી રીતે યુધ્ધગ્રસ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુધ્ધની કગાર પર આવીને ઉભુ છે. ગમે ત્યારે એક નાની ચીંગારી સમગ્ર વિશ્વને યુધ્ધની આગમાં ઝોંકી શકે છે. વૈશ્વિક ફલક પર જુદા-જુદા દેશોની નેતાગીરી છે તેની પણ એક અલગ તસવીર ઉભરી રહી છે. અમેરિકા, રશિયા, ઈઝરાયલ, ઈરાન, નોર્થ કોરિયા, ચીન, ભારત, યુક્રેન સહિતના દેશોમાં રહેલ નેતૃત્વ કુશળ, બાહોશ હોવાની સાથે સાથે પોતાના દેશને પડતી કોઈપણ પ્રકારની મુશ્કેલીને સહન કરી શકે છે.
આ તમામ માટે “નેશનફર્સ્ટ” છે ત્યાર પછી બીજુ બધુ છે પોતાના દેશ તરફ આંખ ઉંચી કરનારને સબક શિખવાડે તેવી નેતાગીરી છે. અમેરિકાતો પહેલેથી જ સુપરપાવર રહયુ છે. બાયડન પછી ટ્રંપ પણ અમેરિકા માટે સશક્ત- મજબૂત નેતૃત્વ છે હોદ્દો સંભાળે તે પહેલા જ તેમણે પોતાના અસલ મિજાજનો પરિચય આપીને બ્રિકસના દેશોને ટેરીફ સંદર્ભમાં ચેતવણી આપી છે તો બીજી તરફ હમાસને બંધકોને મુક્ત કરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે. અમેરિકા સામે આંખ ઉંચી કરનાર દુશ્મનોને ટ્રંપ છોડશે નહિ આગામી દિવસોમાં ચીન-ઈરાન મામલે તેમનું વલણ કેવુ રહે છે તે જોવાનું રહે છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વાત કરીએ તો તેમણે પોતાની તાકાતનો પરચો વિશ્વના દેશોને આપી દીધો છે પોતાના નિર્ણય પર મક્કમ રહેનારા પુતિન હાલમાં ભારે ક્રોધમાં છે રશિયાની સંપ્રભુતા પર ખતરો ઉભો થશે તો તેઓ ન્યુકલીયર હથિયારનો ઉપયોગ કરતા અચકાશે નહિ, રશિયા નહી રહે તો વિશ્વ નહી રહે તેવી ધમકી તેમણે આપી દીધેલી છે. પુતિન એક મજબૂત નેતા છે. વિશ્વને તેમની તાકાતનો પરચો મળ્યો છે.
ચીનની વાત કરવામાં આવે તો શી-જીનપિંગ વિશ્વના એક શક્તિશાળી નેતા છે. તેમના નેતૃત્વ હેઠળ ચીન આર્થિક – સંરક્ષણ ક્ષેત્રે આગળ આવ્યુ છે અત્યારે પણ ચીનનો દબદબો એટલો છે કે અમેરિકા તેની સામે પગલા લેતા અચકાય છે શી-જીનપિંગની નજર તાઈવાન પર છે. ડ્રેગન તાઈવાનને હડપ કરી ન જાય તે માટે અમેરિકા મદદે આવ્યુ છે. શી-જીનપિંગ તેમના મજબૂત મનોબળ માટે જાણીતા છે.
ઉત્તર કોરિયાના તાનાશા કીંગજોંગને આખુ વિશ્વ ઓળખે છે પોતાના નિર્ણયો માટે તે જાણીતા છે. ઉત્તર કોરિયા સરમુખત્યાર શાહી છે. કીમજોંગની વિરૂધ્ધ કોઈ બોલતુ નથી કે બોલી શકતુ નથી. કીમજોંગે પણ મોટા પ્રમાણમાં શસ્ત્રો ભેગા કર્યા છે યુક્રેન-રશિયા યુધ્ધમાં મોસ્કોની મદદે સૈનિકો મોકલીને તેમના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે.
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પોતે એક મજબૂત નેતા છે ઈઝરાયલ પર હુમલા પછી તેમણે ગાઝામાં હમાસનો લગભગ સફાયો કરી નાંખ્યો છે બીજી તરફ હિઝબુલ્લાની કમર તોડી નાંખી છે કહેવાય છે કે હવે તેમની નજર ઈરાન પર છે. ઈઝરાયલ તેના દુશ્મન દેશોથી ચારો તરફ ઘેરાયેલો છે. તેને ધ્યાનમાં લઈ ઇઝરાયેલ સંરક્ષણ ક્ષેત્રે ચારો તરફ મજબૂત દિવાલ ઉભી કરી દીધી છે.
ઈરાનના સર્વેસર્વા અલી ખામેનેઈ પણ મજબુત નેતા છે તેમના નેતૃત્વ હેઠળ ઈરાને પરમાણુ શસ્ત્રો બનાવી લીધા હોવાના સમાચારો સતત આવતા રહે છે. વિશ્વને હજુ પુરી ખબર નથી કે ઈરાને પરમાણુ શસ્ત્રો બનાવી લીધા છે કે કેમ ? પરંતુ ઈઝરાયલ- અમેરિકાની નજર સતત ઈરાનના ન્યુક્લીયર પ્રોગ્રામ પર રહી છે ઈરાને પાછલા વર્ષોમાં ડીફેન્સ ક્ષેત્રે પ્રગતિ કરી છે હાલમાં યુધ્ધમાં ઈરાનના ડ્રોને તરખાટ મચાવી દીધો છે.
હવે ભારતની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મજબૂત – કુશળ નેતા તરીકે વિશ્વના ફલક પર છવાઈ ગયા છે. વિશ્વના તમામ દેશોના નેતાઓ તેમની વાતને ધ્યાનથી સાંભળે છે તેમને આવકાર આપે છે. વિશ્વની બે સુપરપાવર શક્તિ અમેરિકા- રશિયાના વડાઓ નરેન્દ્ર મોદીના મિત્ર હોવાની સાથે તેમના મક્કમ નિર્ણયોથી અભિભૂત થયેલા છે.
યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને અટકાવીને વડાપ્રધાને તેમના કુશળ નેતૃત્વનો પરચો આપ્યો હતો તો બીજી તરફ ચીન સામે આંખમાં આંખ મિલાવીને જવાબ આપ્યો હતો. પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરાવીને આતંકવાદીઓનો સફાયો કરી નાંખ્યો હતો. તાજેતરમાં ચીન સાથે શાંતિપૂર્ણ રીતે મામલાને ઉકેલી એલ.એ.સી. પર પૂર્વવત સ્થિતિ સ્થાપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે “નેશનલ ફર્સ્ટ” છે પછી બીજુ બધુ છે.
કેનેડાને તેમણે રાજદ્વારી રીતે તેમની મક્કમતાનો પરચો આપ્યો હતો. આ તમામ દેશોના નેતાઓ માટે પોતાનો દેશ પ્રથમ છે. પછી બીજી વાત છે હવે આ મજબૂત નેતૃત્વ “શાંતિની દિશા પકડવાની જગ્યાએ” યુધ્ધની પરિભાષામાં વાત કરી રહયા છે એકમાત્ર નરેન્દ્ર મોદીએ શાંતિની વાત કરી છે યુધ્ધનો સમય નથી અને વિકાસ પર તેમણે ભાર મુકયો છે. ભારતને બાદ કરતા અત્યારે તમામ દેશોને સીધી યા આડકતરી રીતે યુધ્ધ સ્પર્શી ગયું છે. વિશ્વની આ ટોચની નેતાગીરીઓ આગામી દિવસોમાં ત્રીજા વિશ્વ યુધ્ધની ચિંગારી ભડકાવે છે કે શાંતિનો માર્ગ પકડે છે તે જોવાનું રહેશે.