4 દિવસ સુધી બ્રેક લાગ્યા બાદ ફરી વધી ડીઝલની કિંમત
નવી દિલ્હી, સામાન્ય માણસ પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે, સતત 4 દિવસ સુધી ડીઝલ અને પેટ્રોલનાં ભાવમાં વિરામ બાદ ડીઝલનાં ભાવમાં રવિવારે ઉછાળો જોવા મળ્યો છે. જોકે, પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓઇલ કંપનીઓનાં જણાવ્યા મુજબ દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 16 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં હવે એક લિટર ડીઝલની કિંમત 80.94 રૂપિયા થઈ ગયા છે. રવિવારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થવાને કારણે છેલ્લા 5 દિવસથી ભાવ 80.43 રૂપિયા પ્રતિ લિટર પર રહ્યો છે.
ઈન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 87.19 રૂપિયા છે. તો, ડીઝલની કિંમત 12 પૈસા વધીને 79.17 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઇ છે. જૂનમાં પેટ્રોલ લિટર દીઠ 9.17 રૂપિયા અને ડીઝલ 11.23 રૂપિયા મોંઘુ થયું છે.
કોલકાતામાં રવિવારે પેટ્રોલ 82.10 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 16 પૈસા વધી લિટર દીઠ 76.05 રૂપિયા થઈ છે. આ સિવાય ચેન્નઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 83.63 રૂપિયા છે, જ્યારે ડીઝલ 10 પૈસા મોંઘુ થયું છે અને લિટર દીઠ 78.01 રૂપિયા પર વેચાઇ રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ જોવા મળી રહી છે, તેમ છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. અત્યારે ભારતીય બાસ્કેટ ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ આશરે 40 ડોલર જેટલી ચાલે છે. રાજ્ય સરકારો ડીઝલ અને પેટ્રોલ પર જુદા જુદા વેટ દરો નિર્ધારિત કરે છે, જેના કારણે ભાવ અલગ-અલગ હોય છે