ઉના કાંડના ૪ આરોપીઓને છ વર્ષ પછી મળ્યા જામીન
અમદાવાદ, માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં ખળભળાટ મચાવનારા ઉના દલિત અત્યાચાર કેસમાં ગુજરાત હાઈકોર્ટે સોમવારના રોજ ચાર આરોપીઓને જામીન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ પાછલા છ વર્ષથી જેલની સજા કાપી રહ્યાછે. આ સિવાય હાઈકોર્ટે રાજ્યના કાયદા વિભાગને નોટિસ ફટકારી છે અને સ્પેશિયલ કોર્ટમાં આટલી ધીમી ગતિથી ચાલતા ટ્રાયલ બાબતે જવાબ પણ માંગ્યો છે.
જસ્ટિસ નિખિલ કેરિયલના ચુકાદા અનુસાર, રમેશ જાદવ, પ્રમોદગિરિ ગોસ્વામી, બળવંતગિરી ગોસ્વામી અને રાકેશ જાેશીને જામીન પાઠવવામાં આવ્યા છે. કોર્ટ તરફથી શરત મૂકવામાં આવી છે કે જ્યાં સુધી આ ઘટનાના પીડિતો અને ફરિયાદી કોર્ટ સમક્ષ હાજર ના થાય ત્યાં સુધી આરોપીઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં જામીન પ્રાપ્ત કરનારા ચાર આરોપીઓ અને નાગજીભાઈ વાણિયા નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
નાગજીભાઈ વાણિયાને વર્ષ ૨૦૨૦માં જામીન મળ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવતી વખતે ધ્યાનમાં રાખ્યું છે આ તમામ આરોપીઓ પાછલા છ વર્ષથી જેલની સજા કાપી રહ્યા છે. તેમના વિરુદ્ધ જે ગુના નોંધવામાં આવ્યા છે તેમાં મહત્તમ ૧૦ વર્ષની સજાની જાેગવાઈ છે.
અડધા કરતા વધારે સજા તેમણે ભોગવી લીધી છે. નાગજીભાઈ વાણિયાના ચુકાદાની એકરુપતાની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, ચાર્જશીટમાં આરોપી તરીકે કુલ ૪૧ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને જામીન મળી ગયા છે.
આરોપીઓના વકીલની દલીલ હતી કે ટ્રાયલની અત્યારે જ શરુઆત થઈ છે અને તેમાં લાંબો સમય લાગી શકે છે. માટે આરોપીઓને જામીન મળવા જાેઈએ. નોંધનીય છે કે પીડિત પક્ષના એડવોકેટ તરફથી જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
વકીલની દલીલ હતી કે, પીડિતોને ગૌહત્યાની શંકા હેઠળ માર મારવામાં આવ્યો હતો અને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેમને વાહન સાથે બાંધવામાં આવ્યા હતા અને લાકડીથી મારવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ વીડિયો વાયરલ થતાં દેશભરમાં વિરોધ થયો હતો.SS1MS