અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવા ગુજરાતના જ 4 એજન્ટો ડન્કી રૂટથી લોકોને મોકલતા હતા
અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ગુજરાતના ૪ એજન્ટોના નામ ખૂલ્યા
(એજન્સી)વોશિંગ્ટન, જમૈકાના નોર્મન મેનલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઈટ્સથી ૬ મેના રોજ ૨૫૩ જેટલા ભારતીય ગેરકાયદેસર રીતે આવી પહોંચ્યા હતા. આ તમામને આજે ભારત મોકલી દેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ટેલિકોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી ડાર્લી વાઝે આપી છે.
ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટ ૬ મેના રોજ જ પરત ભારત આવવાની હતી, જોકે ફ્લાઈટ પ્લાનના પગલે તેને પરત આવવામાં વિલંબ થયો હતો. વાઝે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ચાર્ટડ ફ્લાઈટ યુએસસી જીએમબીએચમાં જ ભારતના ૨૫૩ પેસેન્જર્સને પરત મોકલી દેવામાં આવ્યા છે. સવારે ૧૧.૪૬ કલાકે પ્લેને અહીંથી ઉડાન ભરી હતી.
ભારત પરત ફરવાનો તમામ ખર્ચ પેસેન્જર્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ચાર્ટડ ફ્લાઈટમાં દર્શાવવામાં આવેલા ૨ પેસેન્જર્સ એરપોર્ટ ઈમિગ્રેશન અધિકારી સમક્ષ હાજર થયા ત્યારે તેમની પાસેની ટ્રાવેલ ડિટેલ્સ મિસિંગ હતી. એમ કહેવાય છે કે આ તમામ પ્રવાસીઓ ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે રવાના થયા હતા. નોંધનીય છે કે અગાઉ આવું જ એક વિમાન ફ્રાન્સમાં ઈંધણ માટે ઉતર્યું ત્યારે તેઓ બધા ડન્કી રૂટવાળા માલુમ પડતા વિમાન અટકાવી દેવાયું હતુ
અને જેતે દેશની એમ્બેસીને વિમાનમાં રહેલા મુસાફરોની માહિતી આપી હતી. ફ્રાન્સમાં એક નવજાત બાળક પણ હતું. ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકોને અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જમૈકા એરપોર્ટ પર પહોંચેલા વિમાનમાં ૨૫૩ મુસાફરો સવાર હતા. અમેરિકા ઘુસણખોરી કરવાનો પ્લાન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
૨૫૩માંથી ૧૫૦થી ૧૭૫ મુસાફરો ભારતીય છે. અને તેમાં પણ મોટાભાગના મુસાફરો ગુજરાત અને પંજાબના હોવાનું જાણવા મળ્યું છે. જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનના નોર્મન મેન્લી એરપોર્ટ પર ૨ મેના રોજ પહોંચેલી ફ્લાઇટની તપાસ શરૂ કરાઈ હતી..આ સમગ્ર કૌભાંડમાં ગુજરાતના ૪ એજન્ટોના નામ ખૂલ્યા છે.