કેનેડામાં ટેસ્લા થાંભલા સાથે અથડાતાં અકસ્માતમાં ૪ ગુજરાતીઓના મોત
સંજયસિંહ ગોહિલની ૨૯ વર્ષીય મોટી પુત્રી કેતાબા ગોહિલ ૬ વર્ષ પહેલાં કેનેડા ગયા હતા.
ગોધરા શહેરના અગ્રણીઓ તેમજ સ્નેહી સબંધીઓ પરિવારજનોને સાંત્વના પાઠવવા પહોંચ્યા
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના પ્રભારોડ ઉપર આવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને કેનેડા કારકિર્દી માટે ગયેલા ભાઈ બહેનને ટોરેન્ટોમાં કાર સાથે અકસ્માત સર્જાતા તેઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. 4 Gujarat origin youth dead as Tesla car catches fire in Toronto, Canada
આ સાથે કારમાં સવાર બોરસદ ગામના અન્ય બે તેઓના મિત્ર પણ આ અકસ્માતમાં મૃત્યુને ભેટ્યા હતા.જ્યારે એક યુવતી બચી ગઇ હતી.અકસ્માતની જાણ તેઓના પરિવારને થતા પરિવારજનોનાં માથે આભ તૂટી પડ્યું હતું.દુઃખદ ઘટના અંગેની જાણ સ્નેહી સબંધી તેમજ ગોધરા શહેરનાં અગ્રણીઓ ને થતા મૃતક ભાઇ બહેનના ઘરે દોડી આવ્યા હતા.અને પરિવારજનો ને સાંત્વના પાઠવી હતી.
ગોધરા શહેરના પ્રભા રોડ ઉપર આવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા સંજયસિંહ ગોહિલની ૨૯ વર્ષીય મોટી પુત્રી કેતાબા ગોહિલ ૬ વર્ષ પહેલાં કેનેડા ગયા હતા.જ્યાં અભ્યાસ બાદ તેઓ હાલમાં લેબ ટેકનીશિયન તરીકે જોબ કરતા હતા. જ્યારે તેઓનો ૨૫ વર્ષીય પૂત્ર નીલરાજ ગોહિલ ૧૦ માસ પહેલાં કેનેડા ગયો હતો.જ્યાં મોટર ડિઝાઇનના અભ્યાસની સાથે જોબ પણ કરતો હતો.
જ્યારે કેનેડાના બ્રેમ્હ્મટન સિટીમાં રહેતા હતા. તેઓની સાથે બોરસદના જયરાજ સિંહ સિસોદીયા, દિગ્વિજય, ઝલક પટેલ પણ રહેતા હતા. આ દરમિયાન કેનેડાના સમય અનુસાર બુધવારના રાત્રે નીલરાજ ગોહિલ અભ્યાસમાં પ્રથમ આવતા મિત્રો અને બહેન સાથે જમવા માટે ગયા હતા.જ્યાં જમીને ભાઈ-બહેન તથા પાંચેય મિત્રો ટેસ્લા કંપનીની કારમાં પરત આવતા હતા.
ત્યારે કેનેડાના ટોરેન્ટો શહેરમાં લેક શોર પાસે આવેલ ચેરી સ્ટ્રીટ રોડ પર પાંચેય ગુજરાતીઓની ટેસ્લા કાર થાંભલા જોડે ધડાકાભેર ટકરાઈ હતી.આ અકસ્માતમા કાર ભડભડ સળગવા લાગી હતી.જે બાદ થયેલા બ્લાસ્ટમાં ભાઈ-બહેન તેમજ બે યુવકો સહિત કુલ ચારનાં મોત થયા હતા.જો કે ઝલક પટેલ નામની યુવતીને રસ્તે પસાર થતાં અન્ય ચાલકોએ સમયસૂચકતા વાપરીને બહાર કાઢી લેતા તેઓનો જીવ બચી ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માત કયા કારણે થયો હતો તેની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પોલીસે અકસ્માતને જોનારા કોઈપણ વ્યક્તિને પોતાનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરી છે. અકસ્માતનો ભોગ બનેલી કાર ઈલેક્ટ્રીક હોવાથી તેમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હોવાનું ટોરંટો પોલીસના એક અધિકારીએ જણાવ્યુ હતું પરંતુ તેમણે તુરંત જ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પેટ્રોલ-ડીઝલ કારમાં પણ આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ઈલેકટ્રીક કારમાં લાગેલી આગ ઓલવવા માટે વધારે પાણીની જરૂર પડે છે અને આગ ઓલવાઈ જાય ત્યારબાદ તેની બેટરીના સેલ્સ ફરી ગમે ત્યારે આગ પકડી શકે છે.