ભરૂચના દયાદરા – કેલોદ માર્ગ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ૪ ના મોત
આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા યુવાનો ભરૂચથી પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના દયાદરા – કેલોદ માર્ગ ઉપર હાઈવા ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રિએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોનના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આમોદના સુડી ગામના એક જ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગુરુવારની મોડી રાત્રિએ હાઈવે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.જેમાં આમોદ તાલુકાના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ સવારે ભરૂચ ખાતે નોકરી પર ગયા હતા.જે બાદ રાત્રીના સમયે ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા.
આ દરમ્યાન કેલોદ ગામની ભૂખી ખાડી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક જીજે ૧૬ એડબ્લ્યુ ૦૦૯૩ અને અલ્ટો કાર નંબર જીજે ૧૬ ડીસી ૭૪૦૮ વચ્ચે જાેરદાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનો (૧) મુસ્તકીમ મયુદ્દીન દિવાન ઉ.વ. ૨૫ (૨) મો.સાકીર યુસુફ પટેલ ઉ.વ. ૨૧ (૩) ઉસામા મુસભાઈ પટેલ ઉ.વ. ૧૯ (૪)
મસ્તકીમ મકસુદ પટેલ ઉ.વ.૨૦ ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માતના પગલે સ્થળ ઉપર લોકો એકત્ર થયા હતા અને કારમાં ફસાયેલા મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢી પી.એમ અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી જવા પામ્યો હતો.અકસ્માત સર્જી ફરાર થયેલ હાઈવા ટ્રક ચાલક સામે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મૃતક મુસ્તકીમ દિવાનના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા – પિતાના એક જ સંતાન હોવાની માહિતી સાંપડી છે.જેને પગલે ચારેય પરિવાર ઉપર આભ ફાટી પડયુ હતુ.ચારેય યુવાનોની શુક્રવારના રોજ સવારે દફન વિધિ કરવામાં આવતા સમગ્ર ગામમાં માતમ છવાયો હતો.