૪ નિવૃત્ત સરકારી અધિકારીની જમીનના નકલી NA કૌભાંડમાં ધરપકડ
દાહોદ, દાહોદમાં બહુચર્ચિત નકલી એન.એ. કૌભાંડમાં પોલીસે વધુ ચાર નિવૃત્ત સરકારી અધિકારીઓની ધરપકડ થઈ છે. દાહોદના જમીન કૌભાંડમાં તાલુકા પંચાયત દ્વારા થયેલા ૧૧ર બોગસ હુકમો પૈકી ૪૦ કરતાં પણ વધુ હુકમોમાં સંડોવાયેલા હોવાનું મનાતા ડી.કે.સાંગાડા, બિનખેતી અને હેતુફેરમાં સંડોવાયેલા મનાતા બી .એસ. આમલીયાર, એમ.કે. તાવીયાડ અને સીએમ બારીયાની દાહોદ પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી અને ઈન્ચાર્જ રહી ચૂકેલા ઉપરોકત સરકારી બાબુઓએ પોતાને મળેલી સત્તા કરતા પણ વધુ હુકમો કરી ગેરરીતિઆચરી હોવાનું પ્રારંભિક તપાસમાં જણાઈ આવેલું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાનું અને અનેક નકલી એન.એ. હુકમો પોતાના સમયગાળામાં કર્યા હોવાનું સામે આવ્યું છે.
પી.એસ.અમલીયાર તાલુકા વિકાસ અધિકારીના ચાર્જમાં હતા અને ત્યાર પછી જિલ્લા પંચાયતમાં મહેસૂલનું ટેબલ સંભાળતા હતા ત્યારે પણ ગેરરીતિઓ આચરી હોવાનું બહાર આવવા પામ્યું છે. પોલીસે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરતાંં છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જમીન કૌભાંડમાં અત્યાર સુધીમાં થયેલી ફરિયાદોમાં કુલ ૭ સરકારી બાબુઓ સામે નામજોગ ગુના દાખલ થયા છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં વર્ષો સુધી કાયમી ટીડીઓ ન મળતા ઉપરોકત અધિકારીઓ ઈન્ચાર્જ ટીડીઓ તરીકે રહ્યા હતા જેમાં જમીન કૌભાંડ આચર્યાનું કહેવાય છે. પોલીસ તપાસમાં ર૦૦૮ પછી ર૦રર સુધીમાં બે જ વખત પંચાયતમાં કાયમી ટીડીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
બાકીના કાર્યકાળમાં કર્મચારીઓએ ઈન્ચાર્જ ટીડીઓ તરીકે કામગીરી કરી હતી. એન.એ.ના હુકમની સત્તા જિલ્લા પંચાયત પાસેથી ર૦૧૮માં લઈ કલેકટરને સોંપી દેવામાં આવી હતી પરંતુ જમીન કૌભાંડીઓએ સરકારી કર્મચારીઓ સાથે ભેગા મળી પાછલી તારીખોમાં બોગસ હુકમો તૈયાર કરાવી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી દીધા હતા.
અગાઉ પહેલી ફરિયાદ થઈ હતી જેમાં રેવન્યુ સરવે નંબર ૩૦૩, ૩૦પ, ૩૦૭માં જિલ્લા પંચાયત કચેરીમાં ચિટનીસ ટુ કલાર્કની પોસ્ટ પર કાર્યરત વિજય ડામોરે નકલી એનએના ઓર્ડર ઉપર જિલ્લા પંચાયતનો સિક્કો મારી જમીન કૌભાંડમાં ભાગ ભજવ્યો હતો.