ગુજરાતના છોકરાને ૨૦ વર્ષથી કરફ્યૂનો અનુભવ નથી થયો
વાડજ, થલતેજ, ઘાટલોડિયાની ૪ સ્માર્ટ સ્કૂલની અમિત શાહે આપી ભેટ-૨૨ સ્માર્ટ શાળા પૂરી થઈ છે, મોદીએ શિક્ષણ પર ભાર મૂકવાનું જે ભગીરથ કાર્ય શરૂ કર્યું છેઃ ૨૦ વર્ષથી ગુજરાતનો વિકાસ ચાલી રહ્યો છેઃ અમિત શાહ
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત થલતેજ અનુપમ શાળા સહિત ૩ અને એક ગાંધીનગરની સ્માર્ટ શાળાની શરૂઆત કરાવી છે. અમદાવાદ-ગાંધીનગરને આજે નવી સ્માર્ટ શાળા મળી છે.
અમિત શાહે સંબોધનમાં કહ્યું કે, ૨૨ સ્માર્ટ શાળા પૂરી થઈ છે. પીએમ મોદીએ શિક્ષણ પર ભાર મૂકવાનું જે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે, તેમનુ સપનુ આજે પૂરુ પાડ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષથી ગુજરાતમં ભાજપનુ શાસન રહ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતનો વિકાસ ચાલી રહ્યો છે.
ગુજરાત તેમના નેતૃત્વમાં મોડલ બન્યુ છે. ચૂંટણી નજીક આવે એટલે તેમાં બે પ્રકારના લોકો હોય. એક એવા જે પાંચ વર્ષ સેવા કરીને રાજનીતિના માધ્યમથી ચૂંટણી લડે છે. અને બીજા એવા હોય જે પાંચ મહિના પહેલા નવો લહેંગો ઝભ્ભો સીવડાવીને લોકો વચ્ચે કેટલાક લોકો આવી ચઢે છે અને વચનોની લ્હાણી કરે છે. ગુજરાતની જનતા અને વિશેષ અમદાવાદની જનતા આ કાર્યશૈલી સમજે છે.
ગુજરાતમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. એક સમયે જ્યારે રમખાણો થતા હતા, લાંબો સમય કરફ્યૂ રહેતો હતો. શહેરમાં ગયેલો માણસ નારણપુરા કે વાડજ પાછો આવશે કે નહિત તે માટે બહેનો માળા જપતી હતી. પરંતુ હવે ગુજરાતમાં કરફ્યૂ ભૂતકાળ બન્યો છે.
ગુજરાતના છોકરાને ૨૦ વર્ષથી કરફ્યૂનો અનુભવ નથી થયો. દાગીના પહેરીને ગજરાતની દીકરી રાત્રે ૧૨ વાગ્યે ગરબા રમવા જાય છે, અને માતાપિતા આરામથી ચિંતામુક્ત થઈને સૂઈ જાય છે. આ પરિવર્તન ભાજપે આણ્યું. ગુજરાત કોંગ્રેસ, ભાજપ અને નરેન્દ્રભાઈનો ઓળખે છે. આજે પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યાય શરૂ થયો છે.
નવા શિક્ષા નીતિ ૨૦૨૦ની પ્રાથમિક શિક્ષણમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. અમિત શાહે મંચ પરથી ગુજરાતના જુવાનોઓને કહ્યુ કે, ચાર વર્ષમાં જે જાેયુ તેનો હિસાબ કિતાબ કરશો. તમે હજી કોંગ્રેસનું રાજ નથી જાેયું, તમારા વડીલોને પૂછજાે. નરેન્દ્ર મોદીએ વિકાસના નવા મૂળ નાંખ્યા છે, મજબૂત ઈમારત ચણી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને સ્માર્ટ સ્કૂલોની ભેટ આપી છે. અમદાવાદમાં નારણપુરા શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨, વાડજની ગાંધીનગર શાળા નંબર-૨ અને થલતેજની શાળા નંબર-૨ નું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયુ છે.
આ શાળામાં શિક્ષણ કાર્ય માટે ઈન્ટરનેટ કનેકિટીવીટી સાથે કોમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમકક્ષ હરોળમાં રહી શકે એ પ્રકારેનું શિક્ષણ આપવામાં આવે છે.
AMC સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરવા માટે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત શાળાઓમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીસભર શિક્ષણ આપવા માટેના આયોજન કરવામાં આવે છે.