ખૂંખાર ગુનેગારને ઝડપનાર ગુજરાત ATSની ૪ મહિલા અધિકારીઓ ઉપર ફિલ્મ બનશે

મે, ૨૦૧૯માં એક ખૂંખાર ગુનેગારને ઝડપી લીધો હતો- સૌથી ખતરનાક મિશનને સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી, શકુંતલા માલૈ સફળતાથી પાર પાડ્યું હતું
અમદાવાદ, બોલિવૂડમાં અત્યારસુધીમાં પોલીસ પરથી જેટલી પણ ફિલ્મો બની તે તમામ પર પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. જાે કે, આ વખતે મહિલાઓ પુરુષના વર્ચસ્વને તોડવા માટે તૈયાર છે. મહિલાઓની વીરતાની કહાણીઓમાંથી એક મોટી સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. જેના પરથી ફિલ્મ બનવાની છે તે ઘટના ૨૦૧૯ની છે જ્યારે એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડની મહિલા ટીમે ગુજરાતના સૌથી ખુંખાર ગુનેગારોમાંથી એકને પકડી પાડ્યો હતો.
આ એટીએસના સૌથી ખતરનાક મિશનમાંથી એક હતું. અલગ-અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા, સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા માલ-એમ ચાર મહિલા પોલીસકર્મીઓએ પોતાની જાતને જાેખમમાં મૂકીને મિશનને સફળતાપૂર્વક પૂરુ પાડ્યું હતું અને ગુનેગારને પકડી પાડ્યો હતો.
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડના ડીઆઈજી હિમાંશુ શુક્લા એ વ્યક્તિ હતા જેમણે આ ચારેય મહિલાઓને મિશન માટેની જવાબદારી સોંપી હતી. તેમણે કહ્યું કે, આ મિશન દરેક માટે તે વાતનું રિમાઈન્ડર છે કે પોલીસ વિભાગમાં મહિલાઓ પ્રત્યેનો ભેદભાવ એ માત્ર પુરુષવાદના અતિઅભિમાન સિવાય બીજું કંઈ નથી.
આ એક ખતરનાક ઓપરેશન હતું અને મને ટીમ પર ગર્વ છે. મને ખુશી છે કે તેમના આ બહાદુર પ્રયાસને હવે મોટા પડદા પર દેખાડવામાં આવશે. આ ઐતિહાસિક ઓપરેશનમાં ચાર મહિલાઓને મદદરુપ થનારા પોલીસ ઈન્સપેક્ટર જીગ્નેશ અગ્રાવત હતા, જેમની ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ કુશળતાએ ટીમને માર્ગદર્શન આપ્યું હતું.
ચારેય મહિલા પોલીસકર્મીઓના રોલ માટે કાસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. ડિરેક્ટર આશિષ આર મોહને કહ્યું કે, આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયી કહાણીને મોટી સ્ક્રીન પર દેખાડવી તે મારા માટે ખરેખર ગર્વની વાત છે.