આધાર અને પાન કાર્ડ લીંક કરાવવા જઈ રહેલા 4 યુવાનો મોતને ભેટ્યા
ચાર ચાર યુવાનોના આકસ્મિક મોતથી કિંદરખેડા ગામ હિબકે ચઢ્યુ-આધારકાર્ડ અને પાન કાર્ડ લીંક કરાવવા પોરબંદર આવી રહેલા યુવાનોના મૃત્યુ અંગેે બસચાલક સામે ગુનો દાખલ
પોરબંદર, પોરબંદરના દેેગામ નજીક કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગઈકાલે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નાના એવા કિંદરખેડા ગામના ચાર-ચાર યુવાનના મોત નિપજતાં ગામ હિબકે ચડ્યુ હતુ.
પોરબંદરના ત્રણ માઈલથી અડવાણા તરફ જતાં રસ્તે બેફામ સ્પીડેેે આવતી ટ્રાવેલ્સની સાથે કારની ટક્કર થઈ હતી જેમાં કિંદરખેડા ગામના ચાર ચાર યુવાનોનો મોત નિપજ્યા હતા. આ ચારેય યુવાનો સૌ પ્રથમ એક યુવાનના ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરવાની કામગીરી માટે કારમાં સાથે દેગામ ગામ આવેલ આર.ટી.ઓ. કચેરીએ ગયા હતા.
અને ત્યાંથી તેઓ આધારકાર્ડ અને પાન કાર્ડ લીંક કરાવવા માટે પોરબંદર આવી રહ્યા હતા. અને આ અકસ્માત સર્જાયો હતો. જેમાં હરદાસભાઈ હમીરભાઈ મોઢવાડીયા અને રામભાઈ વિરમભાઈ ઓડેદરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ.
બાદમાં બે યુવાનોને ગંભીર ઈજા થવાને કારણે તેઓને રાજકોટ લઈ જવાતા રામભાઈ સેવદાસભાઈ મોઢવાડીયા તથા હિતેશ રામદેવભાઈ કેશવાલાના પણ મોત નિપજ્યા હતા.
અકસ્માતના આ બનાવમાં કીંદરખેડા વાડી વિસ્તારમાં રહેતા અરબમભાઈ લીલાભાઈ મોઢવાડીયા દ્વારા ટ્રાવેલ્સના ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
મૃતકો પૈકી હરદાસભાઈ અને રામભાઈને સંતાનમાં નાના બાળકો છે તેથી તેઓને પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમની અંતિમવિધિ રાત્રે જ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે યુવાનોમાં એક યુવાનના પિતા વિદેશ હોવાથી તેઓ આવી જાય પછી તેની અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવશે.
અને બીજા યુવાનની અંતિમવિધિ કરવામાં આવી હતી. ચાર મૃતક પૈકી હિતેશ કેશવાલા નામના યુવાન પાનકાર્ડ-આધારકાર્ડ લીંક કરાવવાની કામગીરીમાં વહીવટી રીતે મદદરૂપ બનવા માટે સાથે જાેડાયો હતો.