તા.10 થી 25 ડિસેમ્બર ગાંધી આશ્રમથી દાંડી સુધી NCC કેડેટ્સની યોજાશે પદયાત્રા
40 NCC કેડેટ્સની સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી 410 કી. મી.ની પદયાત્રા માટે રાજ્યપાલે શુભેચ્છાઓ પાઠવી-રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો પદયાત્રામાં જોડાઈ રહેલા એન.સી.સી. કેડેટ્સ સાથે પ્રેરણાત્મક સંવાદ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, એન.સી.સી. યુવા પેઢીમાં એકતા, ભાઈચારો અને સંસ્કારોનું સિંચન કરે છે. ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ દેશભરમાં આંતરિક કે બાહ્ય આપદાઓમાં એન.સી.સી. નું યોગદાન મહત્વપૂર્ણ છે. કોરોના કાળમાં જ્યારે બધા ડરતા હતા ત્યારે એનસીસીએ પોતાની જવાબદારી સમજીને લોકોની ઉત્તમ સેવા કરી છે. આ ઉપરાંત વૃક્ષારોપણ, જળ બચાવો, સ્વચ્છતા વગેરેમાં સેવા પ્રદાન કરી રહ્યું છે.
તા.10 થી 25 ડિસેમ્બર દરમિયાન સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી યોજાનાર પદયાત્રામાં જોડાઈ રહેલા એન.સી.સી. કેડેટ્સ સાથે રાજભવન ખાતે પ્રેરણાત્મક સંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ સૌને આ પદયાત્રા માટે શુભકામનાઓ પાઠવીને કહ્યું કે, આ પદયાત્રા તમારા જીવનનો સ્વર્ણિમ સમય બની રહેશે. નાની ઉંમરમાં દેશભક્તિનો ભાવ, રાષ્ટ્રીય એકતા, સંસ્કારોની ભાવનાથી ઓતપ્રોત થઈ આગળ વધશો તો તમને કર્તવ્યનો સાચો બોધ મળશે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, પૂજ્ય બાપુએ અંગ્રેજોની દમનકારી નીતિ સામે લડવા વર્ષ 1930 માં દાંડીયાત્રા કરી હતી. બાપુએ જે કામ કર્યું હતું તમે ફરી તે સમયની સ્મૃતિને પુનઃ તાજી કરવા જઈ રહ્યા છો. તમે વચ્ચે પડાવ આવશે ત્યારે શાળા, કોલેજ, ગુરુકુળમાં રોકાશો, ત્યાં વચ્ચે વચ્ચે નુક્કડ નાટક દ્વારા અને લોકોને મળીને તમે નક્કી કરેલા વિષયો પર માર્ગદર્શન આપો તે આજના સમયની જરૂરિયાત છે.
તેમણે વધુમાં કહ્યું કે, નશો કરતો વ્યક્તિ કોઈ કામનો નથી હોતો, સમાજ પર બોજારુપ હોય છે. આ યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાનોને નશા મુક્તિના સંદેશો આપવા આહવાન કરીને ઉમેર્યું કે, સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય છે.
સશક્ત રાષ્ટ્રનું નિર્માણ આધુનિક સુખ-સુવિધાઓથી નહીં, પરંતુ વીર માતાઓના સતીત્વ અને સંસ્કારવાન, સમર્પિત, રાષ્ટ્રભક્ત યુવાઓથી થાય છે તેમ જણાવી ઉમેર્યું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત, મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવીને વર્ષ 2047 માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈ, સૌને આહવાન કર્યું છે, તો આપણા તમામની જવાબદારી છે કે આપણા કર્તવ્યનું પાલન કરીએ.
રાજ્યપાલશ્રીએ જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે તેમ જણાવી કહ્યું કે, આપણે કોરોનાથી તો બચી ગયા પણ જળવાયુ પરિવર્તનથી કેવી રીતે બચીશું ? દુષ્કાળ, અતિવૃષ્ટિ, વધુ પડતી ગરમી, બરફ, ઠંડી પડશે તો કેવી રીતે બચીશું? આ જળવાયુ પરિવર્તન એ માનવીય કાર્યોનું પરિણામ છે.
આ બધાથી બચવા માટે આપણે પર્યાવરણનું સંવર્ધન કરવું પડશે અને પર્યાવરણને બચાવવા વધુમાં વધુ વૃક્ષો વાવવા પડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે ‘એક પેડ માં કે નામ‘ અભિયાન ચલાવ્યું છે. રાજ્યપાલશ્રીએ તમામ કેડેટ્સનેપોતાની માં ના નામે એક વૃક્ષ આવવા અપીલ કરી હતી.
પ્રાકૃતિક કૃષિ અંગે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિથી પર્યાવરણ અને પાણી બચે છે, પાણી શુદ્ધ થાય છે, ધરતી માં ઝેરથી બચે છે અને ગાયનું પણ સંવર્ધન થાય છે. બે મહિના પહેલા ગુજરાત વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ છ દિવસ માટે ગુજરાતના 14000 જેટલા ગામડાઓમાં જઈ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું અને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
એન.સી.સી. ગુજરાતના એ.ડી.જી. મેજર જનરલ શ્રી રમેશ શન્મુગમ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. કેડેટ ખુશીએ દાંડીકૂચ તેમજ સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ તકે એન.સી.સી. અમદાવાદના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી જી.વી.નાથ, એન.સી.સી. આણંદના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પરમીંદર અરોરા, પદયાત્રાના પ્રભારી અધિકારી શ્રી કર્નલ મનીષ ભોળા, એન.સી.સી.ના અધિકારીઓ તેમજ પદયાત્રામાં જોડાનાર એન.સી.સી. કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.