Western Times News

Gujarati News

દશેરાના દિવસે અમદાવાદીઓમાં 40 થી 45 હજાર કિલો ફાફડા જલેબી ઝાપટી જશે

ગુજરાતીઓ એક લાખ કિલોથી વધુના ફાફડા-જલેબી એક જ દિવસમાં આરોગે તેવો અંદાજ

રાજ્યમાં 450થી લઇને 650 રૂપિયા પ્રતિ કિલો ફાફડા અને 500થી 700 રૂપિયા પ્રતિ કિલો શુદ્ધ દેશી ઘીમાં જલેબી વેચાઈ રહી છે,

(પ્રતિનિધિ) અમદાવાદ,  ગુજરાતમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડાની જિયાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા અને જલેબીમાં કિલોએ સરેરાશ 100 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.

જેને લઇને રાજ્યમાં 450થી લઇને 650 રૂપિયા પ્રતિ કિલો ફાફડા અને 500થી 700 રૂપિયા પ્રતિ કિલો શુદ્ધ દેશી ઘીમાં જલેબી વેચાઈ રહી છે, ત્યારે આ વર્ષે ગુજરાતીઓ એક લાખ કિલોથી વધુના ફાફડા-જલેબી એક જ દિવસમાં આરોગે તેવો અંદાજ છે. એટલે કે આ વર્ષે અંદાજે ગુજરાતીઓ 5 કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે. જેને લઇને દશેરાના બે દિવસ પહેલાંથી જ ઠેર-ઠેર ફાફડા જલેબીના વિક્રેતાઓ દ્વારા કાઉન્ટરો લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યાં છે.

દેશ-વિદેશમાં ફાફડા જલેબી માટે તો ગુજરાતીઓ પ્રખ્યાત છે. પરંતુ 365 દિવસમાં એક દિવસ એવો પણ આવે છે, જ્યારે ગુજરાતીઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતાં હોય છે. દશેરાના દિવસને અધર્મ પર ધર્મના વિજયના દિવસે તરીકે ઊજવવામાં આવે છે. આ જ દિવસે ગુજરાતીઓ હજારો કિલો ફાફડા જલેબી આરોગી લેતા હોય છે. વર્ષોથી ચાલતી આ પરંપરા ગુજરાતીઓએ આ વર્ષે પણ અવિરત રાખી છે.

ખાસ એક દિવસ માટે ફાફડા જલેબીનો ક્રેઝ એટલી હદે ભારે હોય છે કે કેટલી જગ્યાએ તો સવારે 5 વાગ્યાથી જ લોકો ફરસાણની દુકાનોની બહાર લાઇનોમાં ઊભા રહી જાય છે. એનાથી અંદાજો લગાવી શકાય છે કે, દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા એ ગુજરાતીઓ માટે કેટલું મહત્ત્વનું છે. આ દિવસે મોડી રાત સુધી ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબી તૈયાર થતાં હોય છે.

આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 12થી 15 ટકાનો વધારો આવ્યો છે. કારણ કે, જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચોખ્ખા ઘીનો ભાવ તથા ચણાના લોટ સહિતની કાચી સામગ્રીના ભાવમાં વધારો થયો હોવાથી આ વર્ષે ફાફડા જલેબીના ભાવ પણ વધ્યા છે. એટલે કે, ગુજરાતીઓના ફાફડા જલેબી ખાવાનો રિવાજ તેમના ખિસ્સા ઉપર ભારે પાડી શકે છે.
સમગ્ર અમદાવાદીઓ આ વર્ષે નાના મોટા સ્ટોલના વેચાણ દ્વારા લગભગ 40થી 45 હજાર કિલો ફાફડા ઝાપટી જાય તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરની નાની-મોટી દુકાનોમાં ફાફડાના પ્રતિ કિલો દીઠ ભાવ 450થી 600 રૂપિયા સુધી અને જલેબીનો ભાવ રૂપિયા 600થી 800 સુધીના છે.
આ વર્ષે હાલનો માહોલ જોતા તો વેચાણ વધુ થાય તેવી શક્યતાઓ છે, પરંતુ દશેરાના બે દિવસ પહેલાંથી જ અમદાવાદના વાતાવરણમાં બદલાવ આવ્યો છે, જેને કારણે હવે ફક્ત ગરબા આયોજકો જ નહીં પરંતુ જે લોકોએ ફાફડા જલેબી વેચવાનું વિચાર્યું છે તે તમામ લોકો ચિંતામાં મુકાયા છે.
કારણ કે જો વરસાદ પડશે તો ધંધા પર તેની સીધી અસર થશે, અને ગરબા રમવા નહીં જાય તો ફાફડા જલેબીના વેચાણ પર પણ તેની અસર થશે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે માહોલ ખૂબ જ સારો છે અને અગાઉથી જ બલ્ક ઓર્ડર લોકો બુક કરાવી રહ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.