400 રૂપિયા કિલો સુધી પહોંચેલા લીંબુના ભાવ હજી વધશે
અમદાવાદ, ખાવા-પીવામાં ખટાશ માટે ઉપયોગમાં આવતા લીંબુને હવે ઘરે લાવવા એ સામાન્ય માણસો માટે એક પડકાર છે. સમગ્ર દેશમાં એક લીંબુની કિંમત અંદાજે 15થી 20 રૂપિયા થઈ ગઈ છે.
બીજી તરફ, એક કિલો લીંબુની વાત કરવામાં આવે તો ભાવ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક મહિના પહેલાં કિંમત 70-80 રૂપિયા હતી, એટલે ભાવ લગભગ 6 ગણા વધી ગયા છે.
લીંબુના ભાવ અચાનક વધવાને પગલે ભાસ્કરે આંધ્રપ્રદેશના દેશના સૌથી મોટા લીંબુ માર્કેટ અને અમદાવાદના સૌથી મોટા શાકભાજી માર્કેટ જમાલપુર અને કાલુપુરમાંથી માહિતી એકત્રિત કરી છે. એમાં બહાર આવ્યું છે કે લીંબુના ભાવ વધવાનાં 4 મોટાં કારણ છે.
છેલ્લાં બે વર્ષમાં લીંબુની ખેતી કરતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એનું કારણ કોરોના મહામારી છે. ઈલ્લુરમાં 5 હેક્ટરમાં લીંબુની ખેતી કરનાર ખેડૂત એ.નિરંજને જણાવ્યું હતું કે કોરોના કાળમાં લીંબુ સારા થયા, પરંતુ બજાર ખૂલ્યાં નહોતાં.
ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા વરસાદથી પાકને ભારે નુકસાન થયું હતું. એવામાં સપ્લાય ઘટી ગયો અને એક ટ્રક લીંબુ જે પહેલાં 5 લાખ રૂપિયામાં મળતાં હતાં, એ હવે 31 લાખ રૂપિયામાં મળી રહ્યાં છે.