400થી વધુ કલાકારોનું વિશ્વ રંગભૂમિ દિવસે ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ રંગભૂમિ દિવસે ગાંધીનગરમાં આયોજિત સ્નેહ મિલનમાં કહ્યું કે, “બેટી બચાવો, બેટી પઢાવો” જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમણે કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પરંતુ રાજ્ય પુરસ્કૃત રાખવાની રાજ્ય સરકારની નેમ પણ દર્શાવી હતી.
વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર સ્ક્રીન અને સ્ટેજના અભિનેતા–અભિનેત્રીઓ, સંગીતકારો, ગાયકો, નૃત્ય કલાકારો, જેમાં ગૌરવ પુરસ્કૃત અને અન્ય સન્માનીય પ્રતિષ્ઠિત કલાકારો સહિત, ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી વિવિધ ક્ષેત્રના આશરે ચારસો જેટલા કલાકારો વિધાનસભા ગૃહમાં આમંત્રિત પ્રેક્ષકો તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભાની કાર્યવાહી નિહાળી હતી.
આ કલાકારોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઇ બેરા, ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રકારના “કલાકાર સ્નેહમિલન” દર વર્ષે આયોજિત કરવાનું પ્રેરક સૂચન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.
મંત્રી શ્રી મુળુભાઇએ સાંસ્કૃતિક યોજનાઓમાં સુધારા અને થયેલા કામોનો ખ્યાલ આપ્યો હતો. શ્રી જીતુભાઇ અને શ્રી શંકરભાઈ એ કલાકારોના મહત્વ અને પ્રદાનને બિરદાવ્યા હતાં તેમજ સાંસ્કૃતિક સેલના સંયોજકો બિહારીભાઈ ગઢવી અને જનક ઠક્કરને આટલી મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી કલાકારોને એકત્રિત કરવાના આયોજનને બિરદાવતાં સૌ કલાકારોને આદરપૂર્વક આવકાર્યા હતા.
આ અવસરે ઉપસ્થિત તમામ કલાકારોનું સુંદર વડનગર તોરણના સ્મૃતિ ચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, 1961માં આંતરરાષ્ટ્રીય રંગભૂમિ વિશ્વની બેઠકમાં ગુજરાતના જ ‘ચં. ચી.’ના હુલામણા નામે પ્રસિદ્ધ નાટ્યવિદ્ શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાની રજુઆતથી વિશ્વભરમાં ‘રંગભૂમિ દિવસ’ની ઉજવણી શરુ થઇ છે એ ગુજરાત માટે ગર્વની બાબત છે.
આ વર્ષે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ ઉજવણીની થીમ “થિએટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ” અર્થાત્ “રંગભૂમિ અને શાંતિની સંસ્કૃતિ” રાખવામાં આવી છે.