હરિયાણાના એક ગામમાં ખોદકામ દરમિયાન મળી ૪૦૦ વર્ષ જૂની મૂર્તિઓ
હરિયાણા, હરિયાણાના માનેસર પાસે આવેલા બાઘાંકી ગામમાં ખોદકામ દરમિયાન વર્ષો જૂની મૂર્તિઓ મળી આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, બુધવારે પોલીસે કહ્યું કે ઘર નિર્માણ પ્રોજેક્ટ માટે ખોદકામ ચાલી રહ્યું હતું, તે જ સમયે ત્રણ ધાતુની મૂર્તિઓ મળી, જે લગભગ ૪૦૦ વર્ષ જૂની છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાચીન મૂર્તિઓ કબજે લેવામાં આવી છે અને માલિકને બાંધકામ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. પુરાતત્વ વિભાગ હવે આ સ્થળ પર વધુ શિલ્પો છે કે કેમ તેની તપાસ કરવા માટે વધુ ખોદકામ હાથ ધરશે.પોલીસે જણાવ્યું કે જેસીબી મશીન વડે નવા મકાનનો પાયો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે મૂર્તિઓ મળી આવી હતી.
શરૂઆતમાં પ્લોટ માલિકે મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ માટે જેસીબી ચાલકને પૈસાની ઓફર પણ કરી હતી. જો કે, ડ્રાઇવરે બે દિવસ પછી બિલાસપુર પોલીસને જાણ કરી અને આ પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
તેમણે કહ્યું કે પ્લોટ માલિકના ઘરેથી મળી આવેલી મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ, દેવી લક્ષ્મીની મૂર્તિ અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સંયુક્ત મૂર્તિનો સમાવેશ થાય છે. બિલાસપુર પોલીસે આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર બનાની ભટ્ટાચાર્ય અને ડૉ. કુશ ઢેબરને સોંપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગામલોકોએ કહ્યું કે મૂર્તિઓને પંચાયતને સોંપી દેવી જોઈએ કારણ કે તેઓ તે જગ્યાએ મંદિર બનાવવા માંગે છે. જો કે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ તેમની માંગને ફગાવી દીધી છે.
પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે આ પ્રતિમાઓ સરકારની સંપત્તિ છે અને તેના પર કોઈનો અંગત અધિકાર હોઈ શકે નહીં. અમારી લેબોરેટરીમાં અભ્યાસ કર્યા બાદ તેને પુરાતત્વ વિભાગના મ્યુઝિયમમાં રાખવામાં આવશે. પ્રારંભિક તપાસ અનુસાર, આ શિલ્પો લગભગ ૪૦૦ વર્ષ જૂના હોવાનું જણાય છે.SS1MS