Western Times News

Gujarati News

તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપથી અત્યાર સુધીમાં ૪૦૦૦ લોકોનાં મોત

અંકારા, તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં ૪૦૦૦ લોકોનાં મોત થયા છે. ત્રણ મોટા ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં ભારે તબાહી સર્જાઈ છે. રિક્ટર સ્કેલ પર ૭.૮, ૭.૬ અને ૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જે બાદ ચારેકોર લાશોના ઢગલાં જાેવા મળી રહ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હજારો લોકો ઘાયલ થયા છે અને કાટમાળ નીચે ફસાયેલા પોતાના લોકોને શોધી રહ્યા છે.

ભારત સહિત દુનિયાના અનેક દેશોએ રાહત સામગ્રી રવાના કરી દીધી છે. ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે તુર્કીમાં ભૂકંપથી ૨૯૨૧ અને સીરિયામાં ૧૪૪૪ લોકોનો મોત થઈ ચૂક્યા છે. માનવમાં આવી રહ્યું છે કે, આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

પહેલો ભૂકંપ તુર્કીના ગજિયાનટેપ પ્રાંતની નજીક નૂરદાગીમાં આવ્યો હતો, જે સીરિયા બોર્ડર પર છે. બીજાે ભૂકંપ એકિનોઝાહુમાં આવ્યો હતો, જે કહારનમારસ પાસે છે અને ત્રીજાે ભૂકંપ ગોકસનમાં આવ્યો હતો જે આજ પ્રાંતમાં છે.

આ વિનાશક ભૂકંપ બાદ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન તરફથી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન આખા દેશમાં અને બીજા દેશોમાં તેમના દૂવાવાસો પર તુર્કીના ઝંડાને અડધો નમેલો રાખવામાં આવશે.

મંગળવારે તુર્કી અને સીરિયામાં ભૂકંપના ઝટકા આવવાનું હજુ પણ ચાલુ છે. ચોવીસ કલાકમાં અહીં અનેક ઝટકા આવી ચૂક્યા છે. જે બાદ લોકોમાં પણ ભારે ડરનો માહોલ છે. WHO તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, ભૂકંપના કારણે બંને દેશોનો મૃત્યુઆંક ૨૦ હજાર સુધી પહોંચી શકે છે.

સંગઠનના એક સિનિયર ઈમરજન્સી ઓફિસર કૈથરીન સ્મોલવુડનું માનીએ તો હજુ સુધી તબાહીની તસવીરો સામે આવી નથી અને શરુઆતી આંકડાઓની સરખામણીમાં એ આઠ ગણો હોઈ શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ત્રણ મોટા ઝટકા બાદ અહીં ૧૦૦થી પણ વધુ ઝટકા આવી ચૂક્યા છે. આખા વિશ્વએ તુર્કી અને સીરિયા માટે રાહત સામગ્રી મોકલવાનું શરુ કરી દીધું છે.

ભારત સિવાય યુકે, યુરોપિયન યૂનિયન, રશિયા, અમેરિકા, જાેર્ડન, મેક્સિકો, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ તુર્કીની મદદ માટે પોતાનો હાથ આગળ કર્યો છે.

તુર્કી અને સીરિયાના આ શક્તિશાળી ભૂકંપે દક્ષિણ પૂર્વ પ્રાંતના કહારનમારસ પ્રાંતમાં જાેરદાર તબાહી સર્જી છે. પરંતુ તેની અસર લેબનાનની રાજધાની બેરુત સિવાય દમિશ્કમાં પણ જાેવા મળી છે. મિસ્ર સુધી નાગરિકોમાં ભારે ડર જાેવા મળ્યો છે. વર્ષ ૧૯૯૯માં તુર્કીમાં આવો જ એક ભૂકંપ આવ્યો હતો અને તેમાં ૧૮ હજાર લોકોનાં મોત થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.