૪૦૦ કરોડમાં બનેલી ફિલ્મ ગેમ ચેન્જર ને માંડ રૂપિયા ૧૩૧ કરોડ મળ્યા

‘ગેમ ચેન્જર’ની ગેમ થઈ
સાઉથના સુપરસ્ટાર રામચરન તેજા અને કિયારા અડવાણીની ‘ગેમ ચેન્જર’ પાસે ઘણી અપેક્ષા હતી
મુંબઈ,
સાઉથના સુપરસ્ટાર રામચરન તેજા અને કિયારા અડવાણીની ‘ગેમ ચેન્જર’ પાસે ઘણી અપેક્ષા હતી. રામચરનની લોકપ્રિયતાને જોતાં સાઉથના માર્કેટમાં આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળવાનો અંદાજ હતો, જ્યારે ઉત્તર ભારતમાં ફિલ્મની પબ્લિસિટી માટે વિશેષ પ્રયાસ થયા હતા. ઇઇઇની સફળતા પછી રામચરનની પહેલી સોલો ફિલ્મ આવી રહી હતી. ફિલ્મને અસરકારક બનાવવા માટે રૂ.૪૦૦ કરોડનું બજેટ રખાયુ હતું અને ગીતો પાછળ પણ ધૂમ ખર્ચ થયો હતો. એકંદરે સાઉથની સ્ટાઈલ મુજબ મસાલા ફિલ્મ બનાવવામાં આવી હતી. દરેકના આશ્ચર્ય વચ્ચે આ ફિલ્મનું બોક્સ કલેક્શન માત્ર રૂ.૧૩૧ કરોડમાં સમેટાઈ ગયું છે.
૨૦૨૫ની શરૂઆતમાં ‘ગેમ ચેન્જર’નું પ્રમોશન શરૂ થયું ત્યારે તેને હિટ ફિલ્મ ગણાવનારા લોકોની બોલતી બંધ થઈ ગઈ છે. શંકર જેવા જાણીતા ડાયરેક્ટર પણ ઓડિયન્સને સમજવામાં થાપ ખાઈ ગયા છે. રિલીઝના પહેલા દિવસે ‘ગેમ ચેન્જર’ને એકંદરે રૂ.૫૧ કરોડનું કલેક્શન મળ્યુ હતું. પાન ઈન્ડિયા ફિલ્મ તરીકે તેનું પ્રમોશન થયું હતું અને દરેક ભાષામાં આ ફિલ્મ ચાલવાનો અંદાજ હતો. જો કે રિલીઝના બીજા દિવસથી જ તેની પડતી શરૂ થઈ. બીજા દિવસે આ ફિલ્મે માત્ર રૂ.૨૧ કરોડનો બિઝનેસ કર્યાે. રવિવાર આવતા સુધીમાં માત્ર ૧૬ કરોડ મળ્યો.
એકંદરે આ ફિલ્મે ભારતમાં કુલ રૂ.૧૩૧ કરોડનો બિઝનેસ કર્યાે અને તેમાંથી રૂ.૮૯ કરોડ માત્ર તેલુગુ વર્ઝનને મળ્યા હતા. દિલ્હી, મુંબઈ સહિત ઉત્તર ભારતમાં ‘ગેમ ચેન્જર’ના પ્રમોશન માટે જંગી ખર્ચ કરવા છતાં આ ફિલ્મને માત્ર રૂ.૩૨ કરોડ મળ્યા હતા. તમિલ ફિલ્મોમાં શંકરનું નામ મોટું છે. માનીતા ડાયરેક્ટર હોવા છતાં શંકરના પોતાના સ્ટેટમાં આ ફિલ્મને માત્ર રૂ.૮.૩૦ કરોડની આવક થઈ હતી. ઓવરસીઝ કલેક્શનમાં ‘ગેમ ચેન્જર’ને માત્ર રૂ.૩૦ કરોડ મળ્યા હતા. એકંદરે વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર આ ફિલ્મ માત્ર રૂ.૧૮૬ કરોડમાં સમેટાઈ ગઈ. ફિલ્મનું તોતિંગ બજેટ અને જંગી પ્રમોશનની સામે તેને મળેલું કલેક્શન ઘણું ઓછું છે.
કેટલાક લોકોના મતે ‘ગેમ ચેન્જર’ બનાવવા રૂ.૫૦૦ કરોડનો ખર્ચ થયો હતો. ફિલ્મના વાસ્તવિક બજેટ અંગે કોઈ ખુલાસો થયો નથી, પરંતુ મોટાભાગના લોકો ૪૦૦ કરોડનો આંક સાચો માને છે. ફિલ્મના પ્રોડ્યુસર દિલ રાજુએ પણ તોતિંગ બજેટનો સ્વીકાર કર્યાે હતો. માત્ર પાંચ ગીત શૂટ કરવા માટે રૂ.૭૫ કરોડનો ખર્ચ કરાયો હતો. દરેક ગીત માટે ૧૦-૧૨ દિવસ શૂટિંગ થયું હતું અને હજારો બેકગ્રાઉન્ડ ડાન્સર્સને રખાયા હતા. ફિલ્મને ભવ્ય બનાવવા ભરપૂર ખર્ચ કરવા છતાં ઓડિયન્સ સહેજ પણ પ્રભાવિત થયુ ન હતું. ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ, ડાયરેક્શન સહિત દરેક પાસામાં આ ફિલ્મ બિનઅસરકારક રહી. આમ, પ્રભાસ, અલ્લુ અર્જુન અને યશની જેમ પાન ઈન્ડિયા સ્ટાર બનવા માગતા રામચરનને પ્રથમ પ્રયાસમાં જ મોટો ફટકો વાગ્યો છે. ss1