બસમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓ રૂ.૪૨ લાખના દાગીના ચોરી ગયા

પ્રતિકાત્મક
(એજન્સી)ધંધુકા, વલસાડમાં રહેતી મહિલા બે દિવસ પહેલા સાંજના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસમાં સાવરકુંડલાથી વલસાડ જઇ રહ્યા હતા. ત્યારે ધંધુકા હાઇવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પરથી બસના હોલ્ટ દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ મહિલા પેસેન્જરની બેગમાંથી રૂપિયા ૪૨.૩૫ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મુળ ભાવનગરના મહુવા તલગાજરડાના વતની અને વલસાડમાં મોગરાવાડી નજીકની સોસાયટીમાં રહેતા નસીમબેન ખાગડ તેમના પુત્ર સાથે ગત ૭મી તારીખે લગ્ન પ્રસંગ હોવાથી રાજુલા પાસેના ચારોડિયા ગામ ખાતે ગયા ગતા. આ સમયે લગ્ન પ્રસંગમાં પહેરવા માટે તેમણે સોનાના રૂપિયા ૪૨.૩૬ લાખની કિંમતના વિવિધ દાગીના સાથે લીધા હતા. ત્યારબાદ તે અન્ય લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ખાંભાથી ગત ૨૦મી તારીખે સાવરકુંડલા ગયા હતા.
જ્યાંથી તે યુનિટી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં બેઠા હતા. તેમણે દાગીના એક પાઉચમાં મુકીને બેગમાં મુક્યું હતું. સાંજના પાંચ વાગે બસના ચાલકે બસને ધંધુકા હાઇવે પર ઓનેસ્ટ હોટલ પર ઉભી રાખી હતી. આશરે ૨૦ મિનિટ બાદ બસચાલકે બસને ચાલુ કરીને વડોદરા તરફ રવાના કરી હતી. થોડા આગળ ગયા બાદ નસીમબેને પાવરબેંક કાઢવા માટે એક બેગમાં તપાસ કરી ત્યારે જોયુ તો બેગ તુટેલી હતી.
અને તેમાંથી રૂપિયા ૪૨.૩૫ લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ હતા. જેથી તેમણે બસ ડ્રાઇવરને આ બાબતે જાણ કરતા અન્ય હોટલ પર બસને ઉભી રખાવી હતી. જો કે તારાપુર પોલીસે આ ઘટના ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી બસના ધંધુકાના હાઇવે પરની ઓનેસ્ટ હોટલ પર લીધી હતી. જ્યાં તપાસ કરતા બસના પેસેન્જર સિવાય બે વ્યક્તિઓ એક કારમાં આવીને બસમાં જઇને ચોરીનો સામાન લઇને જતા જોવા મળ્યા હતા. પોલીસને આશંકા છે કે કોઇ ચોક્કસ જાણભેદુની આ ચોરીમાં સંડોવણી હોવાની શક્યતા છે. આ અંગે ધંધુકા પોલીસે કાર નંબરના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.