વર્ષ ૨૦૨૩ના ૬ મહિનાની અંદર ૪૨,૦૦૦ લોકોએ કેનેડા છોડ્યું
ટોરેન્ટો, સારી સુવિધાઓની સાથે આર્થિક રીતે વધારે સુખી થવાશે તેવા સપના સાથે મોટાભાગના યુવાનો કેનેડા જવાનું પસંદ તો કરી રહ્યા છે પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમને કડવી હકીકત માલુમ પડી રહી છે.
કેનેડા છોડીને તાજેતરમાં ગુજરાત પાછા આવેલા ૨૪ વર્ષના યુવકે પણ પોતાની ત્યાં ગયા પછીની નોકરીની અછત અને બજેટ સંભાળવાની પોતાની વ્યથા વર્ણવીને કેનેડા છોડવાનું કારણ જણાવ્યું હતું.
કેનેડાની જસ્ટિન ટ્રુડો ની સરકારના નિર્ણયો, આર્થિક નીતિ વગેરે માત્ર ઈમિગ્રન્ટ્સને જ નહીં પરંતુ ત્યાના નાગરીકોને પણ ખટકી રહી છે. જે યુવાનો કેનેડા માટે ધન છે તેઓ જ દેશ છોડી રહ્યા હોવાના બનાવો તે દેશ માટે પણ ચિંતાનું કારણ બની શકે છે.
એક વ્યક્તિએ જણાવ્યું છે કે, “મને એક જ મહિનાની અંદર કેનેડા શું છે તે સમજાઈ ગયું હતું, યોગ્ય નોકરી મેળવવા માટે મેં ૧ મહિના સુધી સંઘર્ષ કર્યો હતો. મને લાગતું હતું કે મારું જે એજ્યુકેશનલ બેગ્રાઉન્ડ છે તેના આધારે સારી નોકરી મળે જશે અને જેની મદદથી હું ત્યાં રહેવાનો અને મારો ભણવાનો ખર્ચ કાઢી શકીશ.
પરંતુ જેમને ૨૦ કલાક કરતા વધુ કામ કરવાની તક મળી રહી હતી તેવા પરમિટ ધરાવતા લોકોના ધસારાના કારણે બધું સંભાળવું મુશ્કેલ બન્યું હતું.” પરિવાર દ્વારા રાજેશનો કેનેડા પહોંચવાનો ખર્ચ ઉપાડવામાં આવ્યો હતો પરંતુ તે પછી ત્યાનો ખર્ચ કાઢવો ઘણો જ મુશ્કેલ બન્યો હતો. રાજેશ કહે છે કે, લોકો ભણવા જવા માટે કેનેડા જવાની વાત પર ત્યાંના ઝગમગાટની વાતો કરે છે પરંતુ ત્યાં ગયા પછી કેવો કષ્ટ પડે છે તેની ચર્ચા કોઈ કરતું નથી. જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે હજારોની સંખ્યામાં પાછલા અઢી વર્ષમાં લોકો કેનેડા છોડી રહ્યા છે.
જેમાં વર્ષ ૨૦૨૩ના ૬ મહિનાની અંદર ૪૨,૦૦૦ લોકોએ કેનેડા છોડ્યું છે. આ પહેલા ૨૦૨૨માં ૯૩,૮૧૮ અને ૨૦૨૧માં ૮૫,૯૨૭ લોકો કેનેડા છોડી ચૂક્યા છે. ૨ દાયકા પછી ૨૦૧૯માં કેનેડા છોડનારાઓનો આંકડો સૌથી ઉપર પહોંચ્યો હતો, જે આંકડા ઈમિગ્રેશન એડ્વોકસી ગ્રુપ ICC ( ઈન્સ્ટિટ્યુટ ઓફ કેનેડિયન સિટિઝનશિપ) દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
જોકે, લોકડાઉન દરમિયાન આ આંકડો નીચો આવ્યો હતો. પરંતુ ફરી એકવાર કેનેડા છોડનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતી સ્ટૂડન્ટ્સને પડતી તકલીફો અંગે કેનેડામાં ૫૦ કરતા વધુ વર્ષોથી વસેલા હેમંત શાહ કે જેમને મિસ્ટર ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને કહે છે કે, તમે શું કામ ગભરાવ છો? કેનેડાની એમ્બેસી કે સરકારને તમારી સમસ્યા જણાવો, આમ કરવાથી તમારા વિઝા નહીં અટકી જાય, ઈમિગ્રેશન કન્સલ્ટન્ટને વાલીઓએ ભેગા થઈને સવાલ કરવો જોઈએ તેમણે જવાબ આપવો પડશે.
એક વાત સમજી લો કે કેનેડાને પણ તમારી જરુર છે, તમે ફી ભરો છો એટલે તમે કસ્ટમર બનો છો અને તમને કસ્ટમર સર્વિસ સારી મળે તે જરુરી છે. તમે ખોટી ઉતાળ કરીને આંધળી દોટ ન મૂકશો, જેમ તમને કેનેડાની જરુર છે તે જ રીતે કેનેડાને પણ તમારી જરુર છે. તમારો જે હક છે, તમારો અધિકાર છે તેનું ચોક્કસ ધ્યાન રાખો, સવાલ કરતા ગભરાશો નહીં.
મૂળ કેનેડિયનમાં યુવાનોની સંખ્યા ઓછી છે ત્યારે વિદ્યાર્થી તરીકે જે યુવાનો ત્યાં જઈ રહ્યા છે તે કેનેડા માટે સોનાની જાળ સાબિત થઈ રહ્યા છે કારણ કે તેઓ કેનેડાને મેન પાવર પૂરો પાડી રહ્યા છે. પરંતુ જે રીતે કેનેડાની કમાઈ લેવાની નીતિ છતી થઈ છે તેની સીધી અસર આગામી સમયમાં પડી શકે છે.SS1MS