એનઆઈએ દ્વારા ૪૩ શકમંદોની ઓળખ કરાઈ
નવી દિલ્હી, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ ગત વર્ષે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય દૂતાવાસો પર કરાયેલા હુમલામાં સામેલ ૪૩ શકમંદોની ઓળખ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને તમામ શકમંદોને શોધી કાઢ્યા હતા.
આ મામલે એનઆઈએએ ગૃહ મંત્રાલયના આદેશ બાદ જૂન ૨૦૨૩ માં અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર હુમલાનો કેસ પોતાના હાથમાં લઈ તપાસ હાથ ધરી હતી. અહેવાલ અનુસાર એનઆઈએએ ૨૦૨૩માં આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરતી વખતે દેશભરમાં ૬૮ કેસ નોંધ્યા હતા અને ત્યારબાદ ૧૦૦૦થી વધુ વખત દરોડાની કાર્યવાહી કરી હતી.
જે દરમિયાન ૬૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએ એક અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીએ અલગ-અલગ કેસોમાં ૭૪ આરોપીઓને સજા સંભળાવી હતી. જેમાં ૯૪.૭૦ ટકા દોષિત ઠર્યા હતા. એનઆઈએના પ્રવક્તાએ કહ્યું કે ઓટ્ટાવા અને લંડનમાં ભારતીય હાઈ કમિશન અથવા અમેરિકામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલા પછી એનઆઈએ આખું વર્ષ સક્રિયતા બતાવી હતી.
આ તમામ ઘટનાઓ બાદ એજન્સીએ કાર્યવાહી પણ કરી હતી. વિદેશમાં ભારતીય સરકારી કચેરીઓ અને દૂતાવાસો પર હુમલા પાછળના ષડયંત્રને ઉઘાડો પાડવા માટે તપાસ એજન્સીએ ૫૦થી વધુ દરોડા પાડ્યા હતા અને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. SS2SS