પ્રાકૃતિક ખેતી કરતા ધંધુકા તાલુકાના 434 ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવાઈ
છેલ્લા 3 વર્ષમાં તાલુકાના 434 જેટલા ખેડૂતોને રૂ. 23.43 લાખની સહાય ચૂકવાઇ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં રાજ્યમાં ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ અનેક ખેડૂતો રસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અનેક સહાય અને યોજનાકીય લાભો આપવામાં આવે છે. તેવી રીતે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ પેટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂ.900 અને વાર્ષિક રૂ.10,800 ની સહાય ચુકવવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી એટલે કે છેલ્લા 3 વર્ષમાં 4 હજાર જેટલા ખેડૂતોને રૂ. 2.15 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
જે અંતર્ગત ધંધુકા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં 434 જેટલા ખેડૂતોને રૂ. 23.43 લાખની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ 2020-21માં 230 ખેડૂતોને, 2021-22માં 187 ખેડૂતોને અને વર્ષ 2022-23માં 17 ખેડૂતોને ગાય નિભાવ માટે સહાય ચૂકવાઈ છે તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી કે.કે.પટેલે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ દેશી ગાય છે. માટે ગાય નિભાવ સહાય યોજના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક મદદ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.