45 કરોડના ખર્ચે નિર્માણ પામેલું અમરેલીનું આધુનિક સુવિધા સાથેનું બસ સ્ટેશન
ઐતિહાસિક રાજમહેલનું રીનોવેશન કામ અને સ્પોટર્સ સંકુલનું ભૂમિપૂજન
અમરેલી, અમરેલીમાં આગામી 20મીએ મુખ્યમંત્રીના ભુપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે આવી રહયા હોય, તેમના હસ્તે અમરેલી ખાતે રૂપિયા 45 કરોડના ખર્ચે બનેલું નવું બસ પોર્ટ ખૂલ્લું મૂકવામાં આવશે. આ ઉપરાંત અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું રીનોવેશન કરી તેમાં મ્યુઝિયમ બનાવવું તથા જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ સહિતના કરોડોના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.નવ કરોડના ખર્ચે બનનાર જિલ્લાકક્ષાના ફાયર સ્ટેશનનું પણ ખાતમુહુર્ત કરાશે.
આ અંગે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, આગામી તારીખ 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમરેલી જિલ્લામાં અમરેલી, ધારી સહિતના વિસ્તારની મુલાકાત લેવાના છે.
જેમાં અમરેલી શહેરમાં તા.20ના રોજ મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 45 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક સુવિધા સાથેનું બસપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. અમરેલી જિલ્લાના મુસાફરો આ બસનો લોકાર્પણ થાય તેની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા જેનો હવે અંત આવી રહ્યો છે.
આ ઉપરાંત અમરેલીમાં આવેલ ઐતિહાસિક રાજમહેલનું રીનોવેશન કરી તેમાં મ્યુઝિયમ બનાવવાની કામગીરી તથા બહારના ભાગે બગીચો, લાઇબ્રેરી, બ્યુટીફિકેશન સહિતના કામો માટે રૂપિયા 27 કરોડના ખર્ચે થવાના છે તે કામગીરીનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.
આ ઉપરાંત અમરેલીના લાલાવદર ગામ પાસે રૂપિયા 32 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાના સ્પોર્ટ સંકુલનું નિર્માણ થવાનું છે. તેમાં વિવિધ પ્રકારની રમતો માટે સુવિધા ઉભી કરવામાં આવશે.તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે સાથે સાથે અમરેલીમાં નવ કરોડના ખર્ચે બનનાર જિલ્લાકક્ષાના ફાયર સ્ટેશનનું પણ ખાતમુહુર્ત કરાશે.
અમરેલીના ઐતિહાસિક રાજમહેલની રોનક પાછી આવે તે માટે થઈ રૂપિયા 27 કરોડના ખર્ચે તેમાં આધુનિક પ્રકારનું મ્યૂઝિયમ બનનાર છે. તેનું ખાતમુહૂર્ત કરાશે.આ ઐતિહાસિક રાજમહેલ આજે પણ છે પરંતુ જર્જરીત હાલતમાં છે. તેની મરામત માટે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તે પછી સરકાર દ્વારા આ કામ માટે થઈ રૂપિયા 27 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
તેમાંથી રાજમહેલનું રીનોવેશન, બ્યૂટીફીકેશન, મ્યૂઝિયમ, બહારના ભાગે બગીચો, લાયબ્રેરી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અંદરના ભાગે મ્યૂઝિયમમાં પણ અનેક કૃતિઓ રખાશે.