આદિવાસી મહિલાને 10 બકરી અને 1 બકરો ખરીદવા માટે 45 હજારની સહાય

રાજ્યની આદિવાસી મહિલાઓના ઉત્થાન માટે બકરા યુનિટની યોજના
અમીરગઢ તાલુકાના ખુણીયા ગામના બચુબેન રાવતાભાઈ ખોખરીયાએ બકરાં યુનિટની ૪૫,૦૦૦/- ની સહાય મેળવી
(માહિતી બ્યુરો, પાલનપુર) ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના આદિજાતિ પશુપાલકોની આવક વધે અને તેઓનું જીવન ધોરણ ઉંચુ આવે તે હેતુ થી બકરાં ઉછેર યોજના અમલી કરાઈ છે. આદિજાતિ વિસ્તારમાં લોકો મુખ્યત્વે ડુંગરાળ અને અંતરિયાળ પ્રદેશમાં વસવાટ કરે છે.
આવા પ્રદેશમાં વરસાદનું પાણી ઓછા પ્રમાણમાં સંગ્રહ થતું હોવાથી ઘાસચારો વિપુલ પ્રમાણમાં થતો ન હોવાના કારણે આવા ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા બકરા-બકરીના યુનિટની સહાય આપી તેઓની આવક બમણી કરવાનો આ યોજનાનો હેતુ છે.
આ યોજનાનો લાભ ફક્ત આદિજાતિની પુખ્તવયની મહિલા લાભાર્થીઓને મળે છે, તેમજ આજીવન એક જ વખત લાભ મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત મળતી સહાયમાં ૧૦ બકરી અને ૧ નર બકરો ખરીદ કરવા માટે રૂ. ૪૫, ૦૦૦/-સહાય આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતા અમીરગઢ અને દાંતા તાલુકામાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અન્વયે દાંતા તાલુકામાં ૬ અને અમીરગઢ તાલુકામાં ૫ આદિવાસી મહિલાઓ આ યોજનાથી લાભાન્વિત થયા છે. કુલ ૧૧ મહિલા લાભાર્થીઓને આ યોજના હેઠળ ૪,૯૫,૦૦૦/- ની સહાય સબસીડી પેટે આપવામાં આવી છે.
આ યોજનાથી મહિલા આદિવાસી લાભાર્થીઓ બકરાં ઉછેર કરી આર્થિક સદ્ધરતા સાથે પરિવારનું જીવન ગુજરાન કરી શકે છે.અમીરગઢ તાલુકાના ખુણીયા ગામના બચુબેન રાવતાભાઈ ખોખરીયા નામની આદિવાસી મહિલાએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, પાલનપુર કચેરી દ્વારા બચુબેનને ૧૦ બકરીઓ અને ૧ નર બકરાની ખરીદી કરવા વર્ષ- ૨૦૨૨-૨૩ અન્વયે રૂ. ૪૫,૦૦૦/- સહાય ચુકવવામાં આવી છે.
આ સહાય અંતર્ગત લાભાર્થી મહિલાને ૧૦ બકરીઓ અને ૧ નર બકરાનું યુનિટ, બકરાં બાંધવા માટે સાંકળ, ૧૧ નંગ તગારાં, ખાણ-દાણ, મેડિકલ ટ્રીટમેન્ટ, દવા, સૂકો ચારો અને પાકો શેડ બનાવી આપવામાં આવે છે. આદિવાસી સમાજ ખેતી અને પશુપાલન આધારિત જીવન જીવે છે.
ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, મરઘાં જેવા પ્રાણીઓ એમના રોજિંદા જીવનમાં મહત્વનો ભાગ ગણાય છે. આથી ખેતી અને પશુપાલન સંબંધિત સહાય આદિવાસી પરિવારો માટે ઘરબેઠા ગંગા સમાન પુરવાર થઇ છે. પશુપાલન પણ થઈ શકે અને આર્થિક સહાય પણ મળે જેનાથી એમની ખેતી અને પશુપાલન પ્રવૃત્તિને વેગ મળવાની સાથે તેમની આવકનું સ્તર પણ ઊંચું આવે છે.
ખુણીયા ગામના બચુબેન રાવતાભાઈ ખોખરીયાએ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજના હેઠળ સહાય મેળવતાં તેમની રોજિંદી જિંદગીમાં પરિવર્તન આવ્યું છે. આજે બકરાં ઉછેર દ્વારા તેઓ દૂધ અને લીંડીના વેચાણમાંથી આવક મેળવી આર્થિક રીતે સદ્ધર બન્યા છે.
આદિવાસી લોકો પરંપરાગત રીતે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે. ખેતી અને પશુપાલન તેમના જીવન નિર્વાહનો મુખ્ય આધાર હોય છે. બકરાં ઉછેરની સરકારી સહાય થકી તેમને જીવન નિર્વાહ અને પશુપાલન પ્રવૃત્તિમાં આર્થિક મદદ મળી રહે છે.
બકરાં યુનિટની સહાય મેળવનાર આદિવાસી લાભાર્થી બચુબેન રાવતાભાઈ ખોખરીયા એ સરકારનો અને આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માનતાં જણાવ્યું કે, ઘર કામ અને ખેતી તો કરતા જ હોઈએ છીએ, પણ આ બકરાં ઉછેરથી હું મારું પોતાનું કંઇક નોખું કામ કરતી હોઉં એવો અનુભવ થાય છે.
સરકારે અમને આ માટે રૂ. ૪૫,૦૦૦/- ની સહાય કરી છે. જેનાથી મારા બાળકોને દૂધ મળે છે, અમારા પરિવારનું ઘર ગુજરાન ચાલે છે. આ યોજનાનો લાભ લઇ અન્ય આદિવાસી બહેનોએ પણ લેવો જાેઈએ એમ વધુમાં જણાવ્યું હતું.