આયુષ્યમાન યોજના હેઠળ અમદાવાદમાં વર્ષમાં રૂપિયા ૪૫૦ કરોડ ખર્ચાયા
અમદાવાદ, અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખેલાયેલા ખૂની ખેલ બાદ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) ચર્ચામાં આવી ગઇ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જ ગુજરાતમાંથી ૧૫ જિલ્લામાં આ યોજના પાછળ રૂપિયા ૧૦૦ કરોડથી વધુ ખર્ચાયા છે.
આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ કરતાં ૨૦૨૨-૨૩માં આયુષ્યમાન યોજના હેઠળ બમણી રકમ ખર્ચાઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ યોજના પાછળ અમદાવાદમાં એક વર્ષમાં સૌથી વધુ ૧.૪૯ લાખ લાભાર્થી હતા અને તેમની પાછળ રૂપિયા ૪૫૦.૪૦ કરોડ ખર્ચાયા હતા. ૨૦૨૧-૨૨માં આ યોજનામાં કુલ ૭૪૭૨૩ લાભાર્થી પાછળ રૂપિયા ૨૧૭.૮૦ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.
આમ, બે વર્ષમાં આ યોજના બમણાથી વધુ રકમનો ખર્ચ થયાની વિગત સામે આવી છે. અમદાવાદમાં ૨૦૨૩-૨૪માં ૬.૧૪ લાખ આયુષ્યમાન કાર્ડ બન્યા હતા.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જે ૧૫ જિલ્લામાં ૧૦૦ કરોડથી વધુ રકમ ખર્ચાઇ છે તેમાં સુરત, રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, વડોદરા, જુનાગઢ, કચ્છ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, જામનગરનો સમાવેશ થાય છે.
સુરતમાં ૨૦૨૧-૨૨માં ૫૧૫૯૨ લાભાર્થી પાછળ રૂપિયા ૧૭૨ કરોડ ખર્ચાયા હતા જ્યારે ૨૦૨૩-૨૪માં લાભાર્થીની સંખ્યા વધીને ૯૪ હજાર થઇ હતી અને તેમની પાછળ રૂપિયા ૩૩૧ કરોડનો ખર્ચ થયો હતો.અલબત્ત, ખ્યાતિકાંડ બાદ હવે કયા દર્દીને ખરા અર્થમાં જરૂર હતી અને તેની ડોક્ટરો દ્વારા સારવાર થઇ હતી તે પણ પેચિદો પ્રશ્ન છે.
ગુજરાતમાં ૨૦૨૩-૨૪માં કુલ ૭૭.૯૫ લાખ નવા આયુષ્યમાન કાર્ડ ધારકો જોડાયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨.૩૨ કરોડ, મહારાષ્ટ્રમાં ૧.૭૯ કરોડ,રાજસ્થાનમાં ૧.૦૯ કરોડ નવા કાર્ડધારકો ઉમેરાયા છે. ૭૦થી વધુ વયના તમામ નાગરિકોને હવે આયુષ્યમાન યોજના હેઠળ આવરી લેવાયા છે. જેના કારણે હવે આગામી વર્ષાેમાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીની સંખ્યામાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે.SS1MS