મુંબઈમાં ૪૬.૮ કિલો મેફેડ્રોનનો જથ્થો ઝડપાયોઃ અંદાજીત કિંમત 50 કરોડ

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં ડ્રગ્સના દૂષણમાં વધારો થયો હોય, તેમ ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રાયગઢ જિલ્લાના મહાડ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક ડ્રગ્સ લેબનો ભાંડો ફોડ્યો છે. એનસીબીની ટીમને અહીં દરોડો પાડી બે લોકો પાસેથી ૪૬.૮ કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી કિંમત આશરે રૂપિયા ૫૦ કરોડ આંકવામાં આવી છે. 46.8 kg of mephedrone seized in Mumbai: Estimated value of Rs 50 crore
એનસીબીના જણાવ્યા મુજબ, તેમની ટીમે ભાંડુપ વિસ્તારના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ટીમે શોધખોળ હાથ ધરતા મકાનમાં એક પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી જથ્થો જોવા મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવતા તે જથ્થો મેફેડ્રોન હોવાનો ખુલાસો થયો હતો.
એક અધિકારીએ કહ્યું કે, ‘ઝડપાયેલા બે આરોપીઓમાંથી એક વિરુદ્ધ પહેલેથી જ બે વખત નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધાયેલા છે. તેની સામે રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટમાં કેસ દાખલ છે. એનસીબીના જણાવ્યા મુજબ, આ દરમિયાન તે જામીન પર બહાર હતો અને મેફેડ્રોન બનાવવાના સિન્ડિકેટમાં સામેલ હતો.
એનસીબીના અધિકારીઓએ કહ્યું કે, ‘આરોપીઓની પૂછપરછ કરવામાં આવ્યા બાદ ઔદ્યોગિક એકમ સ્થિત એક લેબોરેટરી સીલ કરવામાં આવી છે. જ્યારે ટીમે લેબમાં દરોડો પાડ્યો, ત્યારે રસાયણ મળી આવતા તે પણ જપ્ત કરવામાં આવ્યું છે.
આ મામલે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું હોય તેમ અવારનવાર આવા ડ્રગ્સના જથ્થા મળી આવતા હોય છે.