૪૮ કરોડના ખર્ચે અમદાવાદના કેટલાંક વિસ્તારોના ગરનાળા ડેવલપ કરાશે

નાગરિકોને ડ્રેનેજ બેકિંગ-વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી છુટકારો મળશે-શહેરના રાણીપ, સાબરમતી, કાળી સહિતના ગરનાળા રૂ. ૪૮ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ચોમાસાની સીઝન દરમ્યાન સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ડ્રેનેજ બેકિંગની સમસ્યા પણ રહે છે.
તેમાં પણ જ્યાં ગરનાળા આવેલા છે તેવા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બને છે. શહેરના રાણીપ, સાબરમતી, કાળી સહિતના વિસ્તારોમાં ખુલ્લા ગરનાળા ના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે જેના કાયમી ઉકેલ માટે રૂ. ૪૮ કરોડના ખર્ચથી વિસ્તારના ગરનાળા ડેવલપ કરવામાં આવશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પશ્વિમઝોનમાં સાબરમતી રેલ્વે કોલોની કાળી ગરનાળા, રાણીપ બકરામંડી, પ્રબોધ રાવલ બ્રીજ, જલવિહાર એસ.ટી.પી. થઈ સાબરમતી નદી સુધી ચંદ્રભાગાનું નાળુ પસાર થાય છે. તેમજ સદર નાળામાં ઝુંડાલ વિસ્તાર માથી વરસાદી પાણી માનસરોવર થઈ આઈ.ઓ.સી ક્રોસીંગ થઇ કાળી ગરનાળામાં આવે છે.
તેમજ ભુત બંગ્લોઝ થી જવાહર ચોક-સાત નાળા થઇ કાળી ગરનાળામાં આવે છે. સાબરમતી રેલ્વે વિસ્તાર, ઓએનજીસી કોલોની તથા જવાહર ચોક ના વિસ્તારનું પાણી સીધુ સાબરમતી નદીમાં જાય છે.વધુમાં આઇ.ઓ.સી થી કાળી ગરનાળા અને જવાહર ચોક થી સાત ગરનાળા સુધી પસાર થતુ નાળુ ખુલ્લુ રહેતુ હોઇ નાળામા થતી ગંદકીના કારણે આજુબાજુના રહીશોના આરોગ્યના જોખમાય છે.
તેથી ચોમસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય અને ડી-કેબીન ફાટક થી કાળીગામ સુધી નાળાની બાજુ માથી પસાર થતો રોડ સાકડો હોઇ અવર જવરમાં તકલીફ ના પડે તે માટે રીમોલ્ડિંગ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેના માટે રૂ.૪૮ કરોડનો ખર્ચ થશે.
આઇ.ઓ.સી થી કાળી ગરનાળા અને જવાહર ચોક થી સાત ગરનાળા સુધી વર્ષોથી આસપાસના વિસ્તારનું વરસાદી પાણી તથા સાબરમતી, રાણીપ તથા આસપાસના જુદા જુદા વિસ્તારમાંથી ગટરનું પાણી આવે છે.જે અંગે સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો અને નાગરિકો તરફથી વારંવાર ફરિયાદ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈ આઈ.ઓ.સી થી કાળી ગરનાળા અને જવાહર ચોક થી સાત ગરનાળા સુધી નાળાના ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
આ કામ પૂર્ણ થયા બાદ આઇ.ઓ.સી થી કાળી ગરનાળા અને જવાહર ચોક થી સાત ગરનાળા સુધી અને બકરામંડીથી પ્રબોધ રાવળ બ્રિજ સુધીના ખુલ્લા નાળાને કવર કરવાની કામગીરી થયા બાદ રાણીપ, સાબરમતી, વાડજ, સ્ટેડીયમ વોર્ડના નાળા ની આજુબાજુમાં રહેતા સ્થાનીક રહીશોની સુખાકારીમાં વધારો થશો. અને વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.