ઈમરાન ખેડાવાળા સાથે સતત સંપર્કમાં રહેનાર કાર્યકરોનો ટેસ્ટ હજુ કરાયા નથી
જમાલપુરના મહિલા કોર્પોરેટરના પણ સેમ્પલ લેવામાં આવ્યા
અમદાવાદ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના પોઝિટિવ રિપોર્ટ અને તેમને હોમ ક્વોરેન્ટાઇ ન કરવાની ઘોર બેદરકારી બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં કોઈ જ સુધારો આવ્યો નથી. ધારાસભ્ય સાથે જે લોકો સતત રહેતા હતા, તેમના સેમ્પલ લેવાના બદલે ક્વોરેન્ટાઇ કરીને સંતોષ માનવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા નો કોરોના રીપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ રાજ્ય નું રાજકારણ પણ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે જ્યારે ધારાસભ્ય જે 35 લોકોના સતત સંપર્ક માં રહેતા હતા તે પૈકી માત્ર ગણતરી ના લોકોના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકો ને ક્વોરેન્ટાઇ કરી ને સંતોષ માનવામાં આવ્યો છે.
જેના કારણે જમાલપુર ના નાગરિકો માં નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ પોઝિટિવ રીપોર્ટ જાહેર થયા બાદ ઈમરાન ખેડાવાળા એ એવા સ્થાનિક 35 લોકોના નામ આપ્યા હતા કે જેઓ સતત તેમના સમ્પર્ક માં હતા તે પૈકી માત્ર તેમના ડ્રાઇવર અને ભત્રીજા ના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. સ્થાનિકો નું માનીએ તો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા અને ઝુબિન શેખ છેલ્લા ઘણા દિવસો થી પોઝિટિવ/ હોટસ્પોટ વિસ્તારમાં પ્રજાકીય કામ કરતા રહ્યા છે.
જમાત ના ઇસ્યુ ના સુખરૂપ ઉકેલ માટે પણ તેમણે મહેનત કરી છે. તેથી ઈમરાન ખેડાવાળા ને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે કહેવું મુશ્કેલ છે પરંતુ તેઓ જેમની સાથે સતત ફરતા રહયા છે તેમની તમામ વિગત તંત્ર પાસે છે તેમ છતાં ગણતરી ની વ્યક્તિ ના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્રણ દિવસ અગાઉ ખેડાવાળા સાથે મહિલા કોર્પોરેટર પણ રીક્ષા લઈ ને જનજાગૃતિ માટે ફર્યા હતા.
તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઇ થયા છે પરંતુ તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે જયારે શાહપુરના અગ્રણી ઝૂનેદ શેખનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે. પરંતુ કે કાર્યકર ગઈકાલે ખેડાવાળાની સાથે હતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હોય તેવી કોઈ જ વિગત જાહેર થઈ નથી તેમ સૂત્રો એ વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત બદરૂદ્દીન શેખના ઘરે કામ કરતી કામવાળીનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.