ધો-૩ થી ધો-૯ નાં બાળકોમાં જ્ઞાનની સરવાણી વહાવતાં નર્મદા જિલ્લાના ગુરૂજનો
“સ્ટડી ફ્રોમ હોમ” ના કન્સેપ્ટ અંતર્ગત જિલ્લાના ૨૭૪૩ જેટલાં શિક્ષક ભાઇ-બહેનોએ ૬૬,૭૦૫ બાળકો પૈકી ૫૩,૫૫૦ જેટલાં બાળકોના WhatsApp ગૃપ બનાવીને ઝૂમ એપ્લીકેશન દ્વારા વિડીયો-કોન્ફરન્સીંગથી શિક્ષકો સુધી મોકલાયેલું સાહિત્ય વાલીઓ સુધી પહોંચાડાયું
સરકારી શાળાઓના ગુરૂજનોની સાચી ફરજ નિષ્ઠા : મધ્યાહન ભોજન બંધ રહેતા વિદ્યાર્થીઓના હિસ્સાનું રાશન પહોંચતું કરાયું -રાશનની દુકાનેથી રાશન સ્વખર્ચે શાળા સુધી લઇ જઇ શાળામાં વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને તેમનો હક્ક આપ્યો
રાજપીપલા, કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે નર્મદા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની શાળાઓના ધોરણ-૩ થી ધોરણ-૯ ના બાળકો રમતા રમતા ડિજીટલ માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. નર્મદા જિલ્લાની ગરુડેશ્વર તાલુકાની ગોરા ન.પુ.વ. પ્રાથમિક શાળાના બાળકો તો ત્યાંના ઉત્સાહી આચાર્યશ્રી દ્વારા ખાનગી શાળાના બાળકોની જેમ ઝુમ એપ્લિકેશનના માધ્યમથી આગામી શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમનો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે, જે બદલ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. પટેલે તેમને અભિનંદન પણ પાઠવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લામાં લોક ડાઉનની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની સૂચના મુજબ “સ્ટડી ફ્રોમ હોમ” ના કન્સેપ્ટ અંતર્ગત જિલ્લાના ૨૭૪૩ જેટલા શિક્ષક ભાઇ-બહેનોએ ધોરણ- ૩ થી ધોરણ-૯ ના કુલ ૬૬,૭૦૫ બાળકો પૈકી ૫૩,૫૫૦ જેટલા બાળકોના વોટ્સએપ ગૃપ બનાવી જીસીઇઆરટી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરાયેલ સાહિત્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ટી.પી.ઈ.ઓ, બી.આર.સી. અને સી.આર.સી.ના સાથે ઝૂમ એપ્લિકેશન દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ કરીને આ માહિતી શિક્ષકો સુધી પહોંચાડવામાં આવી અને શિક્ષકો દ્વારા સાહિત્ય વાલીઓને પહોંચાડવામાં આવ્યું છે.
જે બાળકોના વાલીઓ પાસે એનરોઈડ મોબાઇલ નથી તેમના પડોશીના મોબાઇલમાં આ સાહિત્ય પહોંચાડવામાં આવેલ છે. જે “ગામડાઓ નો કવરેજ ઝોન” માં છે ત્યાં બાળકોને આ સામગ્રીની પ્રિન્ટ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પરિવારનો માળો સલામત અને હુંફાળો તેમજ ગ્રંથાલય જ્ઞાનસંગ્રહ જેવા વિશિષ્ટ અભિગમ અને ટીવીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાના ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના શુભ આશયને નર્મદા જીલ્લામાં ખૂબ જ સારો અને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને નર્મદા જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ભલે રાંધીને અપાતું ન હોય, પરંતુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવતું તેમના હકનું રાશન તેમના સુધી પહોંચાડવાનું બીડું શાળાના શિક્ષકોએ જ ઝડપી લીધુ છે. વાત કરીએ નર્મદા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી શાળાએ મધ્યાહન ભોજનની વ્યવસ્થા બંધ છે ,પરંતુ આ શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષકો દ્વારા ફુડ સિક્યુરિટી બિલ હેઠળ તેમનું રાશન શિક્ષકોએ બાળકો સુધી પહોંચાડી ગુરુ તરીકેની સાચી નિષ્ઠા દર્શાવી છે.
નર્મદા જિલ્લાની સરકારી શાળામાં ભણતા બાળકોને ફુડ સિક્યુરિટી બિલ અનુસાર તારીખ ૩૦-૩-૨૦૨૦ થી ૧૪-૪-૨૦૨૦ સુધીના રજા સિવાયના કુલ દિવસો ૧૦ માટે જે મધ્યાહન ભોજન બંધ રહેલ તેના વળતર રૂપે ધોરણ ૧ થી ૫ માટે ૫૦૦ ગ્રામ ઘઉં અને ૫૦૦ ગ્રામ ચોખા તથા ધોરણ ૬ થી ૮ માટે ૭૫૦ ગ્રામ ઘઉં અને ૭૫૦ ગ્રામ ચોખા શાળા કક્ષાએથી જ વિતરણ કરવાનું નક્કી કરાયું હતું.
અગાઉ નક્કી થયા મુજબ નર્મદા જિલ્લાના તમામ તાલુકાની તમામ સરકારી શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓ સસ્તા અનાજની દુકાનેથી બાળકોને અનાજ મળી રહે તે માટે શાળા પર જઈને અનાજ રસીદો તૈયાર કરી શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સંચાલક તથા શાળાના શિક્ષકો મળીને ૫૦૦ ગ્રામના તથા ૭૫૦ ગ્રામના પેકેટ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓને આપવાના પેકેટ તૈયાર થતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળાએ બોલાવી શાળાએથી જ સામાજિક અંતર રાખીને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.
નાંદોદ તાલુકાની તરોપા ગામની પ્રાથમિક શાળાના સી.આર.સી ઇન્ચાર્જ અને મુખ્ય શિક્ષક સુશ્રી છાયાબેન પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ જગત દ્વારા સ્ટડી ફ્રોમ હોમ, પરિવારનો માળો કે જેમાં બાળકોનું બાળપણ પાછું લાવવાના હેતુસર બાળવાર્તા, ગીતો, સંદેશ, ઉખાણા વગેરેનું મટીરીયલ્સ બાળકોને પુરૂં પાડવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તરોપા સી.આર.સી. પ્રાથમિક શાળામાં ૧૦ જેટલી શાળાઓ છે, જેમાં અંદાજે ૭૦૦ જેટલા બાળકો અને ૪૫ જેટલાં શિક્ષકોને મટીરીયલ્સ પુરૂ પાડવામાં આવી રહ્યું છે અને તે શિક્ષકો બાળકો સુધી મટીરીયલ્સ પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે તેમજ તરોપા પ્રાથમિક શાળામાં ૧૭૮ બાળકો છે તે તમામ બાળકોના વોટ્સએપ નંબર લેવામાં આવે છે. જેના થકી બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ રાશનની દુકાનોમાંથી રાશન વિતરણ અને ફ્રુટ વિતરણની કામગીરી પણ અમે કરી રહ્યા છીએ. માટે આ કાર્ય શિક્ષણ જગત માટે સરાહનીય અને પ્રશંસાને પાત્ર હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિરપુર ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી અશોકભાઇ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં જ્યારે નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે, ત્યારે લોકડાઉનના સમયમાં બાળકોને ઘેર બેઠા શિક્ષણ મળી રહે તે માટે ઓનલાઇન શિક્ષણ બાળકોને અમે આપી રહ્યા છીએ અને વાલીઓ પણ અમને ફોટા મોકલાવે છે અને જરૂરી માર્ગદર્શન લઇ રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નાંદોદ તાલુકાના જીઓરપાટી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પ્રશાંતભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસને લીધે હાલ લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે બાળકોને ઘેરબેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ધો. ૬,૭,૮ ના બાળકોને અત્યારે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જેથી બાળકોને કોઇ પ્રશ્ન હોઇ તો તેનું માર્ગદર્શન પણ મળી રહે અને તેમનો અભ્યાસ પણ થાય. તેની સાથોસાથ બાળકોને ગણિત વિષયના દાખલાઓ પણ ગણીને તેનો વિડીયો પણ તમામ બાળકોને બનાવીને મોકલવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા જે મટીરીયલ્સ આપવામાં આવે છે તે પણ વોટ્સએપ મારફતે પહોચાડતા હોવાનું જણાવ્યું હતું.
તરોપા પ્રાથમિક શાળાની ધો-૮ ની વિદ્યાર્થીનીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમને અમારા શિક્ષક દ્વારા ઘેર બેઠા જ વોટ્સએપના માધ્યમથી “સ્ટડી ફ્રોમ હોમ” અને “પરિવારનો માળો” સાહિત્ય પહોંચાડવામાં આવી રહ્યું છે. મને હવે એવું લાગી રહ્યું છે કે, શાળા અમારે ઘરે જ હોય. અમારા સમયનો પણ સદઉપયોગ થાય છે અને અભ્યાસ કરવામાં પણ અમને આંનદ મળે છે.
તરોપા ગામના વાલી શ્રી યોગેશભાઇ વસાવાએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં પણ મારા બંને બાળકોને ઘેર બેઠા જ વોટ્સએપના માધ્યમથી “સ્ટડી ફ્રોમ હોમ” અને “પરિવારનો માળો” સાહિત્ય પહોંચાડવામાં આવી રહ્યું છે એટલે અમારા બાળકો ઘરે જ રહીને અભ્યાસ કરી રહ્યા છે અને અમારા બાળકોને અભ્યાસમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય તો અમે શિક્ષક પાસે માર્ગદર્શન પણ લેતા હોવાનું જણાવી શિક્ષણ ખાતાનો આ કન્સેપ્ટ વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ બન્યો છે.