Western Times News

Gujarati News

5 રૂપિયાના ટોકનદરે બાંધકામ શ્રમિકોને ભાડાનું હંગામી આવાસ મળશે

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાની શ્રમિક બસેરા યોજનાની સતર સાઇટોનું ખાતમૂહુર્ત કરશે-આગામી ૧૮ જુલાઇના રોજ મુખ્યમંત્રીશ્રી જગતપુરથી કરશે પ્રતિકાત્મક ખાતમૂહુર્ત

મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ કરાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાની કુલ સતર સાઇટોનું પ્રતિકાત્મક ખાતમૂહુર્ત કરવામાં આવશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી તા.૧૮ જુલાઇના રોજ જગતપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની કુલ સતર સાઇટોનું પ્રતિકાત્મક ખાતમૂહુર્ત કરવામાં આવનાર છે.

આ ખાતમૂહુર્તના પ્રસંગે મુખ્યમંત્રીશ્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે બાંધકામ શ્રમિકોને સંબોધન કરશે. ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી, (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર) શ્રી બલવંત સિંહ રાજપૂત, અધિક મુખ્ય સચિવશ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ડો. અંજુ શર્મા, શ્રમ આયુક્તશ્રી, અનુપમ આનંદ, નિયામકશ્રી, રોજગાર અને તાલીમ પણ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

શ્રમિક બસેરા યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ટ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના પ્રીફેબ્રિકેટેડ આવાસો મહિને ફક્ત પાંચ રૂપિયાના ટોકન દરે પ્રતિદિન પ્રતિશ્રમિક આપવામાં આવશે. આ સમગ્ર યોજનાના પારદર્શી વહીવટ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનુ પણ સાથેસાથે લોન્ચિંગ કરવામાં આવનાર છે. આ પોર્ટલના માધ્યમથી કેંદ્રીયકૃત રીતે શ્રમિકોને આવાસની જગ્યાની ફાળવણી કરવામાં આવશે.

શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓની જીવનસ્તરમાં વધારો થાય તે હેતુથી શહેરી સતામંડળ તેમજ ગિફ્ટસિટી દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને ઉપલબ્ધ કરાવેલ જમીનો પર હંગામી આવાસોનું બાંધકામ કરી શ્રમિકોના પરિવારોને રાહત દરે સ્વચ્છ પીવાનું પાણી, રસોડુ, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ ફેસીલિટી, ઘોડિયાઘર  અને શૌચાલય સહિતની સુવિધા પૂરી આપવામાં આવશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક બસેરા યોજના હેઠળ અમદાવાદમાં ૭, ગાંધીનગરમાં ૧ રાજકોટમાં ૬ અને વડોદરામાં ૩ એમ કુલ-૧૭ સાઇટોનું ખાતમુહૂર્ત થનાર છે. આ સાઇટોના માધ્યમથી અંદાજે કુલ ૧૫૦૦૦ બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા હાલ બાંધકામ શ્રમિકો માટે વિવિધ સહાય યોજનાઓ જેવીકે સંપૂર્ણ તબીબી તપાસ યોજના, મેડિકલ હેલ્થ યુનિટ યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, પી.એચ.ડી. સહાય યોજના, આકસ્મિક મૃત્યુ સહાય યોજના,

અંત્યેષ્ઠી સહાય યોજના, શ્રમયોગી નિવાસી શિક્ષણ યોજના, શ્રમિક ગો-ગ્રીન યોજના, નાનાજી દેશમુખ આવાસ યોજના, હાઉસિંગ સબસિડી યોજના, કુશળ શ્રમિક સહાય યોજના, પી.એમ.જન આરોગ્ય યોજના અને પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજના જેવી અન્ય યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2023-24માં કુલ ૧,૧૦,૩૦૬ લાભાર્થીઓને રૂ. ૧૭૯.૪૨ કરોડની સહાયનો લાભ આપવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.