યુએસમાં ૫.૩૦ લાખ ઈમિગ્રન્ટ્સની કાનૂની સુરક્ષા રદ, દેશનિકાલ કરાશે

વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું પગલું ભરતા ૫૩૦,૦૦૦ પ્રવાસીઓની અસ્થાયી કાનૂની સુરક્ષા રદ કરી છે. આ નિર્ણયની સીધી અસર ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલા જેવા દેશોના લોકો પર પડશે, જેમને બાઈડન સરકાર દરમિયાન માનવતાવાદી ધોરણે અસ્થાયી સુરક્ષા અને વર્ક પરમિટ આપવામાં આવી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાથી સામૂહિક દેશનિકાલની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા વધી ગઈ છે, જેના કારણે ઇમિગ્રન્ટ સમુદાયોમાં ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અનુસાર આ ચાર દેશોના ઇમિગ્રન્ટ્સ જેઓ ઓક્ટોબર ૨૦૨૨ પછી સ્પોન્સર્સિપ દ્વારા યુએસ આવ્યા હતા અને જેમને બે વર્ષની કામચલાઉ કાનૂની પરવાનગી (પેરોલ) અપાઈ હતી, તેમનો દરજ્જો ૨૪ એપ્રિલે અથવા ફેડરલ રજિસ્ટરમાં આ નિર્ણયના પ્રકાશનના ૩૦ દિવસ પછી સમાપ્ત થશે.
ટ્રમ્પના આ નિર્ણયથી ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન દ્વારા રજૂ કરાયેલી પેરોલ નીતિનો અંત આવશે. જે હેઠળ ઇમિગ્રન્ટ્સને હવાઈ માર્ગે દેશમાં પ્રવેશવાની અને અમેરિકન સ્પોન્સર્સની મદદથી કામચલાઉ નિવાસની મંજૂરી અપાઈ હતી. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી અને કડક નીતિઓનું વચન આપ્યું હતું.
સત્તામાં આવ્યા પછી તેમણે આ દિશામાં ઝડપી પગલાં લીધાં છે. અધિકારીઓનું કહેવું છે કે આ લોકોને હવે ફાસ્ટ-ટ્રેક દેશનિકાલ પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે, જેમાં તેમને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયા વિના દેશમાંથી કાઢી શકાય છે.ટ્રમ્પના આ નિર્ણયથી પ્રભાવિત ઘણા ઇમિગ્રન્ટ્સ કેટલાક વર્ષાેથી યુ.એસ.માં રહી રહ્યા છે અને અહીં નોકરીઓ, ઘરો અને સમુદાય જીવન સ્થાપિત કર્યું છે.
બે બાળકો સાથે સાન ડિએગોમાં રહેતી વેનેઝુએલાની એક મહિલાએ જણાવ્યું હતું કે, સારા જીવનની આશામાં બધું જોખમમાં મૂક્યું હતું, પરંતુ હવે બધું જ સમાપ્ત થઈ રહ્યું હોય તેવું લાગે છે. ઇમિગ્રન્ટ અધિકાર જૂથોએ ચેતવણી આપી છે કે મોટા પાયે દેશનિકાલ પરિવારોને અલગ કરશે અને યુ.એસ. અર્થતંત્ર અને ખાસ કરીને કૃષિ અને ઉત્પાદન જેવા ક્ષેત્રો પર વિનાશક અસર કરશે.SS1MS